અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૩માં નોંધાયેલા રૂ.૯૪,૬૮૫ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા અને રૂ.૧૦ હજારના ઇનામી આરોપીને રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે મોરબીમાંથી ઝડપી પાડ્યો છે. પીપાવાવ પોર્ટ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો પ્રકાશ રતિલાલ બઘાણી (બદાણી) કર્મચારીઓના પગારની રકમ લઈને ફરાર થયો હતો. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપીએ ઓળખ છુપાવવા માટે વારંવાર નામ, મોબાઇલ નંબર, બેંક ખાતા અને સરનામાં બદલ્યાં હોવાનું સામે આવ્યું હતું. તે ‘પ્રકાશ રતિલાલ શાહ’ના નામે મોરબીમાં રહેતો હતો. જૂના પોલીસ રેકોર્ડમાં મળેલી જન્મતારીખના આધારે સોશિયલ મીડિયા, બેંક ખાતા, ડિજિટલ ડેટા, માનવ સ્ત્રોત અને ટેકનિકલ વિશ્લેષણથી તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાનની સંસ્થાના જૂના ફોટા સહિતની કડીઓના આધારે ચોક્કસ લોકેશન મેળવી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. કામગીરી રાજુલા પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે કરી હતી.





