૨૦૦થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી
ડીસા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય, ચડોતર ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની 'સેન્સ' પ્રક્રિયા અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં હાથ ધરવામાં આવી હતી.ડીસા નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે ભાજપની ટિકિટ મેળવવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજની આ પ્રક્રિયામાં૨૦૦થી વધુ દાવેદારોએ પોતે ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો દ્વારા એક પછી એક વોર્ડ મુજબ ઉમેદવારો અને સ્થાનિક આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, પક્ષ પ્રત્યેની વફાદારી, સામાજિક વર્ચસ્વ અને જીતવાની ક્ષમતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ ઉમટી પડી હતી. નિરીક્ષકો દ્વારા લેવાયેલા આ સેન્સનો રિપોર્ટ હવે પ્રદેશ ભાજપની સંકલન સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ) સમક્ષ મૂકવામાં આવશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે."ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને લોકશાહી ઢબે કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે આ પ્રક્રિયા યોજાઈ છે. ૨૦૦થી વધુ બાયોડેટા આવવા તે દર્શાવે છે કે લોકોનો ભાજપ પર અતૂટ ભરોસો છે." - સ્થાનિક ભાજપ આગેવાન આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હવે સૌની નજર પક્ષ દ્વારા જાહેર કરવામાં આવનારી ઉમેદવારોની યાદી પર ટકેલી છે.





