મતદાન માટે ઓરિજનલ ઓળખપત્ર ફરજિયાત, ઝેરોક્ષ દસ્તાવેજ માન્ય નહીં
આગામી 26 એપ્રિલે ગુજરાતભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણી પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં 10 તાલુકાની કુલ 240 તાલુકા પંચાયત બેઠકો, 48 જિલ્લા પંચાયત બેઠકો અને 3 નગરપાલિકાઓ માટે મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને દાંતા તાલુકામાં દાંતા, અંબાજી અને હડાદ વિસ્તારની 56 તાલુકા પંચાયત અને 9 જિલ્લા પંચાયત બેઠકો માટે ફરજ બજાવનાર પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા મતદાન પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વખતે ચૂંટણી ઇવીએમ મશીન દ્વારા યોજાનાર હોવાથી મતદારોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે અલગ-અલગ મતદાન કરવાનું રહેશે તેવી જાણકારી આપવામાં આવી હતી.માસ્ટર ટ્રેનર રતુજી સોલંકીએ ખાસ જણાવ્યું હતું કે મતદાન દરમિયાન મતદારો માટે ફોટાવાળા ઓરિજનલ ઓળખપત્ર ફરજિયાત રહેશે અને ઝેરોક્ષ નકલ માન્ય ગણાશે નહીં. જેથી મતદારોને અગાઉથી જ જરૂરી દસ્તાવેજ સાથે આવવા સૂચના આપવામાં આવી છે.
આ તાલીમ દરમિયાન પ્રાંત અધિકારી આઈએએસ કે.આર. હરિની તથા મામલતદાર બી.વી. બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એન. ગુર્જરે માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી કામગીરી માટે પ્રાથમિક શાળાના 589 અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના 95 શિક્ષકો મળી કુલ 684 કર્મચારીઓ ફરજ બજાવશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મોટાભાગના મતદાન કેન્દ્રો અંતરિયાળ વિસ્તારોમાં આવેલા હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.





