૨૩ વર્ષ બાદ પણ ભાજપનું સપનું રહ્યુ અધુરૂ જ, વધુ ૫ વર્ષ ભોગવવો પડશે સન્યાસ
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર રીતસરનું ઝાડુ ફેરવી દીધું છે. તેઓ ૫૦થી વધારે બેઠકો જીતી ફરી એકવાર સરકાર રચવા જઈ રહ્યાં છે. દિલ્હીના સામે આવી રહેલા પરિણામોથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, વિધાનસભાની ચૂંટણીમાં લોકો સ્થાનિક મુદ્દાઓને વધારે મહત્વ આપે છે. જોકે શાહીન બાગ ભલે કેટલાક લોકોને ગળે ના ઉતર્યો હોય પણ ભાજપે જરૂરથી પોતાની સ્થિતિ મજબુત કરી દીધી છે.
દિલ્હીના દંગલમાં સીટી ટક્કર ભાજપ અને આપ વચ્ચે હતી. ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ એકતરફી લડાઈ માનવામાં આવી રહી હતી. જોકે બાદમાં ભાજપે એન્ટ્રી મારી હતી. રાષ્ટ્રીય મુદ્દા, વડાપ્રધાન મોદીનો ચહેરો અને શાહીન બાગે એન્ટ્રી મારતા જંગ વધારે રસપ્રદ બન્યો હતો. બીજી બાજુ કેજરીવાલ વિજળી-પાણી જેવા પાયાગત મુદ્દાઓ ઉઠાવતા રહ્યાં.
કેજરીવાલે જે રીતે ૨૦૦ યૂનિટ સુધી વિજળી ફ્રી આપી છે, પાણીના બિલ ઘટાડ્યા છે, સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા પર કામ કર્યુ છે અને મહોલ્લા ક્લિનિક ખોલ્યા છે તે લોકોને વધારે અસર કરી ગયા. જેની સામે ભાજપના ૩૭૦, એનઆરસી અને રામ મંદિર જેવા મુદ્દાઓ થોડા ફિકા પડી ગયા.
જોકે ભાજપે પોતાના વોટ શેરમાં જબ્બર વધારો કર્યો છે. ભાજપે એનઆરસી અને સીએએ મુદ્દાઓને ભાજપે ભારે જોરશોરથી ઉઠાવ્યા હતાં. દિલ્હીનો શાહીન બાગ સીએએ વિરોધનું કેન્દ્ર બન્યો તો ભાજપે કોઈ જ સંકોચ વગર તેના પર જોરદાર પ્રહાર કર્યા. અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારમાં તેનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, મતદાતાઓ એટલા જોરથી કમળનું બટન દબાવે કે તેનો કરંટ સીધો શાહીન બાગમાં લાગે.
અરવિંદ કેજરીવાલની વ્યક્તિગત છબીનો ફાયદો આપને મળ્યો છે. જેવી રીતે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની છબી છે તેવી જ રીતે આપ કાર્યકર્તાઓએ કેજરીવાલની છબી સામે રજુ કરી છે. તેમના પર ભ્રષ્ટાચારના કોઈ જ આરોપ નથી. જે કોઈ પણ હતા તે સાબિત ના થઈ શક્યા. સામાન્ય લોકો સુધી તેની પહોંચે આપની લોકપ્રિયતા ટકાવી રાખી. તેમણે મેનિફેસ્ટોમાં જે વાયદાઓ કર્યા તેના પર દિલ્હીએ વધારે વિશ્વાસ દાખવ્યો. શીલા દીક્ષિત સાથે પણ કેજરીવાલની સરખામણી કરવામાં આવી શકે છે. જેવી રીતે શિલા દીક્ષિતે સ્થાનિક મુદ્દાઓના જોરે સત્તા હાંસલ કરી હતી કેજરીવાલ પણ આવી રીતે જ આગળ વધી રહ્યાં છે.
જે ભાજપ માટે આંચકા સમાન છે. ભાજપ છેલ્લા ૨૨ વર્ષથી દિલ્હીની સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહી છે. પણ તાજેતરમાં સામે આવી રહેલા પરિણામોના ટ્રેંડ પરથી લાગી રહ્યું છે કે, તેમાં વધારે ૫ વર્ષનો ઉમેરો થયો છે. એટલે કે ભાજપે વધારે ૫ વર્ષ સત્તા માટે રાહ જોવી પડી શકે છે.