
હરિયાણા : ગેરકાનૂની દારૂના વેચાણથી દુઃખી મહિલાઓ પોલીસ સ્ટેશન સામે 10,20 અને 30 રૂપિયા દારૂના પેગ વેચવા ઊભી રહી
કૈથલ: હરિયાણાના કૈથલ જિલ્લાના કલાયત શહેરમાં દુકાનો અને ઘરઆમ ખુલ્લેઆમ ગેરકાનૂની દારૂ મળી રહ્યો છે. આ દારૂના વેચાણ પર વોર્ડ-1ની મહિલાઓએ વિરોધ કર્યો. મંગળવારે મહિલાઓ દારૂની પેટી લઈને પોલીસ સ્ટેશનની બહાર પહોંચી ગઈ હતી. અહીં તેમણે ગ્લાસમાં દેશી દારૂ ભરીને વેચાણ શરુ કરી દીધું હતું. આ મહિલાઓએ 10,20 અને 30 રૂપિયામાં પેગ લઈ લો એવી બૂમો પણ પાડી.પોલીસ અધિકારીઓએ મહિલાઓની વાતનું માન રાખીને જ્યાં દારૂ વેચાય છે તેય રેડ પાડી હતી, રેડની ખબર પડતા ઘણા લોકો દુકાન બંધ કરીને ભાગી ગયા હતા. જો કે, પોલીસે એક વ્યક્તિને પકડી લીધો અને દુકાનદાર પાસેથી 8 બોટલ દેશી દારૂ પણ જપ્ત કર્યો.દારૂ વેચાણનો વિરોધ કરી રહેલી બે મહિલાઓએ રડતા-રડતા જણાવ્યું કે, અમે દિવસભર મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. ઘરની નજીક જ દારૂના અડ્ડા હોવાથી અમારા પતિ તેને ખરીદવા ઘરનો સામાન વેચી દે છે. તેઓ સોના-ચાંદીના ઘરેણાં, વાસણો, ઘી, ખાંડ અને ઘઉંને પણ છોડતા નથી. ભૂખને કારણે આખો દિવસ અમારા બાળકો તરફડિયાં મારે છે. જો અમે તેમને દારૂ પીવાથી રોકીએ છીએ તો અમારે સાથે મારપીટ કરે છે , જેથી ઘરમાં ઝઘડા થાય છે.