
વિવાદ : રામપુરના નવાબની તિજોરીઃ સર્વોચ્ચ અદાલતે ખોલવાનો આદેશ કર્યો, પણ તિજોરી કેમ ખૂલતી નથી?
નેશનલ ડેસ્કઃ ઉત્તરપ્રદેશના રામપુરના નવાબની અબજો રૂપિયાની સંપત્તિ વહેંચવા અંગેના વિવાદમાં સર્વોચ્ચ અદાલતે આદેશ આપી દીધો છે. એ મુજબ, જમીન, મહેલો અને ઝરઝવેરાત ઉપરાંત 47 વર્ષથી બંધ પડેલાં સ્ટ્રોન્ગ રૂમમાં રહેલી મૂલ્યવાન ચીજોની વહેંચણી પણ થવાની છે. રસપ્રદ બાબત એ છે કે, રામપુર નવાબના મહેલમાં રહેલો આ સ્ટ્રોન્ગ રૂમ ખોલવાના ત્રણ પ્રયાસો પછી પણ એ ખોલી શકાયો નથી. આથી જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ 7 માર્ચ શનિવારે વધુ એક પ્રયાસ કરવામાં આવશે. અત્યંત મજબૂત રીતે બનાવાયેલા આ સ્ટ્રોન્ગ રૂમનું વિશિષ્ટ પ્રકારનું તાળું પણ ખોલી શકાતું નથી કે અત્યંત જાડી મેટલની દિવાલોને ગેસ કટરથી પણ કાપી શકાતી નથી.રામપુર નવાબની વિવાદાસ્પદ સંપત્તિઆઝાદી પૂર્વે જન્નતનશીન થયેલા રામપુરના નવાબ રઝા અલી ખાન અબજો રૂપિયાની સંપત્તિના માલિક હતા. તેમના ત્રણ મહેલની કિંમત આશરે 80 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે. એ ઉપરાંત રામપુર, લખનૌ, ફૈઝાબાદ અને દિલ્હી આસપાસ તેમની માલિકીની જમીનની કિંમત પણ 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો બજારભાવ ધરાવે છે. આટલી સ્થાવર સંપત્તિ ઉપરાંત રામપુરના ખાસ મહેલમાં નવાબે બનાવેલા એક વિશિષ્ટ પ્રકારના સ્ટ્રોન્ગ રૂમમાં કરોડો રૂપિયાનું ઝરઝવેરાત હોવાનું મનાય છે. સ્ટિલની જાડી દિવાલો ધરાવતો આ સ્ટ્રોન્ગ રૂમનું તાળુ ખોલવું કે તોડવું એ સમસ્યા હાલ નવાબના 16 જેટલાં વારસદારો તેમજ સર્વોચ્ચ અદાલતે નિમેલા મધ્યસ્થી માટે પણ માથાનો દુઃખાવો બની છે.બ્રિટનની ચબ કંપનીએ આ સ્ટ્રોન્ગ રૂમ બનાવ્યો હતોઈંગ્લેન્ડના ચાર્લ્સ ચબ નામના લુહારે ઈસ. 1830માંચબ લોક્સ એન્ડ સેફ વોલ્ટ નામની એક કંપની સ્થાપી હતી. દુનિયાભરના ધનકુબેર ચબ કંપની દ્વારા બનાવાયેલા વિશિષ્ટ પ્રકારના તાળા અને તિજોરી પર વિશ્વાસ મૂકતાં હતાં. ચાર્લ્સ ચબ દ્વારા બનાવાયેલા તાળાની વિશિષ્ટતા એ હતી કે તેની દિવાલો 8 ઈંચ જાડી મિશ્ર ધાતુથી બનાવવામાં આવતી હતી તેમજ મુખ્ય તાળાની નીચે 8 કળના અલગ અલગ 4 અન્ય તાળા ખોલ્યા પછી જ તિજોરીમાં રાખેલો માલસામાન મેળવી શકાતો હતો. એકપણ તાળામાં એક વાર પણ ખોટી ચાવી લગાવવાથી તાળુ જામ થઈ જાય એવી તેમાં કરામત કરવામાં આવતી હતી. રામપુરના નવાબે ચબ કંપનીના કારીગરોને ખાસ બ્રિટનથી બોલાવીને સ્ટ્રોન્ગ રૂમ બનાવડાવ્યો હતો.તિજોરી યથાવત છે, પણ ચાવી ખોવાઈ ગઈ છેરામપુરના નવાબની આ તિજોરીનો ઓરડો આજે ય યથાવત છે પરંતુ 47 વર્ષથી તેની ચાવી ખોવાઈ ગઈ છે. મુખ્ય તાળા ઉપરાંત અન્ય 4 તાળાની ચાવી નવાબ રઝા અલી ખાનના મોટા પુત્ર મુર્તુઝા અલી ખાનના કબજામાં હતી પરંતુ 1976માં નવાબની હવેલીમાં આગ લાગી ત્યારે કેટલોક સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો, જેમાં આ ચાવીઓ પણ ગાયબ થઈ હોવાનું મનાય છે.તાળુ ખોલવાના ત્રણ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છેરામપુરના નવાબની આ ભેદી તિજોરીનું તાળુ ખોલવા માટે રામપુર, લખનૌના નિષ્ણાતોએ ત્રણ વખત પ્રયત્નો કર્યા છે પરંતુ ન તો તાળુ ખોલી શકાયું છે કે ન તો તિજોરીની જાડી દિવાલો ગેસકટરથી કાપી શકાઈ છે. હવે 7 માર્ચ શનિવારે સર્વોચ્ચ અદાલતે નિમેલા મધ્યસ્થી તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટની હાજરીમાં વધુ એક પ્રયત્ન કરવામાં આવશે.