વડોદરા / ડ્રોન માટે રજિસ્ટ્રેશન સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ ફરજિયાત કરાયું
વડોદરાઃ ડ્રોનના માલિકોએ હવે પોતાના ડ્રોનનું રજિસ્ટ્રેશન ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન( ડીજીસીએ)ને કરાવવું પડશે. આ વર્ષે 13મી જાન્યુઆરીએ ડીજીસીએએ આ અંગેનો પરિપત્ર બહાર પાડીને 31મી જાન્યુઆરી સુધીમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કરાવાની સૂચના આપી છે.આ નવી પોલીસીના નિયમોમાં ડ્રોન ઉડાવવા માટે અંગ્રેજીનું જ્ઞાન હોવું ફરજિયાત છે તેવો પણ વિચિત્ર કહી શકાય તેવો નિયમ છે. આ નવા નિયમ અંતર્ગત વડોદરાના કેટલા ડ્રોન માલિકોએ નોંધણી કરાવી છે તેની માહિતી વડોદરા એરપોર્ટ સત્તાધીશોને મળી નથી. આ રજિસ્ટ્રેશન ઓનલાઇન કરાવવાનું છે. નવી પોલીસીમાં પાંચ વર્ષ માટે ડ્રોન માલિકે લાયસન્સ લેવું પડશે. આ માટેની ફી રૂ.25 હજારની છે. પાંચ વર્ષ બાદ બીજા પાંચ વર્ષ માટે રિન્યૂઅલ કરાવી શકાશે.
એરક્રાફ્ટ એક્ટ અને IPC અંતર્ગત કાર્યવાહી
નવી પોલિસી અંતર્ગત જો કોઇ ડ્રોન માલિક સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન નહીં કરાવે તો ઇન્ડિયન પીન કોડ અને એરક્રાફ્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની જોગવાઇ છે. રજિસ્ટ્રેશન digisky, dgca.gov.in પર થશે.આ પ્રોસેસ બાદ દરેક ડ્રોનને એક નંબર આપવામાં આવશે.