રાજસ્થાનમાં જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં ખાબકી, ૨૪ના મોત
રાજસ્થાનમાં મંગળવારે એક ભયંકર અકસ્તામત સર્જાયો છે, જેમાં એક જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં પડી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે ઘણા લોક ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી મોટાભાગના લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, જાનૈયાઓથી ભરેલી આ બસ કોટાથી સવાઈ માધોપુર જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એક પુલ પરથી પસાર થતી વખતે બસ અસંતુલિત થઈને નદીમાં પડી ગઈ હતી. દુર્ઘટના રાજસ્થાનના બૂંદીમાં સ્થિત કોટા લાલસોત મેગા હાઈવે પર સ્થિત લાખેરીમાં સર્જાય છે. ફુલ સ્પીડમાં દોડતી બસ અચાનક પોતાનું સંતુલન ગુમાવીને નદીમાં પડી ગઈ હતી. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી પોલીસને તે અંગે જાણકારી આપી હતી.
સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી, મૃતદેહોને બસમાંથી બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. દુર્ઘટના અંગે જાણકારી મળતા જ ભારે ભીડ ઘટના સ્થળ પર એકત્ર થઈ ગઈ હતી. નદીમાં પાણી હોવાના કારણે રાહત અને બચાવકાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો..
બૂંદી જિલ્લાના કોટા-દૌસા મેગા હાઈવે પર બનેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોને ગેહલોત સરકારે તાત્કાલિક મદદ આપવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ મૃતકોને ૨-૨ લાખ વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે.
બૂંદી જિલ્લાધિકારી અંતર સિંહે નેહરાએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાના સમાચાર મળતા જ ઘટના સ્થળ પર જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમ પહોંચી ગઈ હતી. NDRFની ટીમ બચાવ અને રાહત કાર્ય કરી રહી છે. અત્યારસુધીમાં ૧૨-૧૩ શવોને બહાર કાઢવામાં આવી ચુક્યા છે અને બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.