ભારતમાં પણ કોરોના વાઈરસ બે પોઝીટીવ કેસ મળ્યા, દિલ્હી અને તેલંગાણામાં એક-એક કેસ સામે આવ્યા.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી 
   ચીનની મહામારી કોરોના વાઈરસના બે નવા કેસની ભારતમાં પૃષ્ટી થઈ છે. દિલ્હીમાં તાજેતરમાં ઈટાલીની યાત્રાથી પરત આવનાર વ્યક્તિમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા છે. આ ઉપરાંત બીજો કેસ તેલંગાણામાંથી સામે આવ્યો છે. તેલંગાણામાં કોરોના વાઈરસનો આ દર્દી તાજેતરમાં જ દુબઈથી પરત આવ્યો હતો. ચીનમાંથી ફેલાવવાની શરૂઆત કરનાર કોરોના વાઈરસને લીધે વિશ્વભરમાં અત્યાર સુધીમાં આશરે ૮૯ હજાર લોકો સંક્રમિત થયા છે ત્યારે આશરે ત્રણ હજાર લોકોનો આ વાઈરસે ભોગ લીધો છે.
 
બીજીબાજુ ચીનથી બહાર અન્ય દેશોમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધતો જાય છે. ઈરાનમાં ૧૪ લોકોના મોત થયા છે. ભારત અહીંથી ભારતીયોને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં ૮૫ ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા છે. અમુક વિદ્યાર્થીઓએ ભારત પરત આવવા માટે એર ટીકિટ બુક કરાવી હતી પરંતુ કોરોના વાઈરસના કારણે રોજ ફ્લાઈટો રદ થઈ રહી છે. ઈટાલીમાં અત્યાર સુધી ૩૪ લોકોના મોત થયા છે અને ૧૬૯૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે દુનિયામાં કોરોના વાઈરસના કારણે થયેલા મોતનો આંક ૩ હજારને પાર થઈ ગયો છે અને કુલ ૮૮,૩૮૫ ઈન્ફેક્શનના કેસ નોંધાયા છે.
 
લોમ્બાર્ડીમાં પાવિયાના એક એન્જિનિયરિંગ વિભાગના એક નોન ટીચિંગ ફેકલ્ટીને ઈન્ફેક્શન થયા પછી વિદ્યાર્થીઓમાં ભય વધી ગયો છે. સ્ટાફના અન્ય ૧૫ લોકોને પણ છૂટા પાડી દેવામાં આવ્યા છે. બેંગલુરુની એક વિદ્યાર્થીની અંકિતા કેએસએ એક અંગ્રેજી ન્યૂઝ પેપરને જણાવ્યું છે કે, અમારામાંથી અડધા વિદ્યાર્થીઓએ ટીકિટ બુક કરાવી હતી પરંતુ ફ્લાઈટ રોજ રદ થઈ રહી છે. નવી ટીકિટ ઘણી મોંઘી છે. અહિં કરિયાણાની દુકાનોમાં ઝડપથી સ્ટોક ખતમ થઈ રહ્યો છે. અમને ડર છે કે, સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. તેથી ભારત સરકારને અપીલ છે કે, અમને અહીંથી બહાર કાઢવાના યોગ્ય પગલાં લે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાવિયામાં ફસાયેલા ૮૫ ભારતીય વિદ્યાર્થીઓમાં ૨૫ તેલંગાણા, ૨૦ કર્ણાટક, ૧૫ તમિલનાડુ, ૪ કરેળ, ૨ દિલ્હી અને રાજસ્થાન, ગુડગાવ અને દેહરાદૂનના ૧-૧ છે. તેમાંથી અંદાજે ૬૫ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ છે.
 
ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશનના વિદ્યાર્થી પુરુષોત્તમ કુમાર મધુ ૧૦ માર્ચે ભારત માટે ઉડાન ભરવાના છે. પરંતુ એ વાતને લઈને શંકા છે કે, ફ્લાઈટ સંચાલિત થશે કે નહીં. પુરુષોત્તમે કહ્યું છે કે, મને જણાવવામાં આવ્યું છે કે, ખાડી દેશોથી જનારી ઘણી બધી ફ્લાઈટો રદ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભારતીય એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ તેમને ૧૦-૧૫ દિવસ ઓબ્ઝર્વેશનમાં કોઈ અલગ સ્થળે રાખવામાં આવશે. ઘરે જવાની મંજૂરી અપાશે નહીં.
 
ચીનની બહાર સૌથી વધારે ઈન્ફેક્શન દક્ષિણ કોરિયામાં નોંધવામાં આવ્યું છે. અહીં ૩,૭૩૬ કેસ નોંધાયા છે. જ્યારે ૧૭ લોકોના મોત થયા છે. ચીનમાં એક દિવસમાં ૪૨ લોકોના મોત થયા છે. ચીનમાં મોતનો કુલ આંક ૨૯૧૨ થઈ ગયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.