
નિર્ભયા કેસ : હાઈકોર્ટે કહ્યું-ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવે, દોષી ૭ દિવસની અંદર તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી લે
નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષિતોની ફાંસી અટકાવવાના કેસમાં હાઈકોર્ટે બુધવારે નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, ચારેય દોષિતોને એક સાથે જ ફાંસી આપવામાં આવી શકે છે, અલગ અલગ નહીં. કોર્ટે કહ્યું કે, ચારેય આરોપીઓને તેમના કાયદાકીય વિકલ્પનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવો પડશે. એક સપ્તાહ બાદ તેમના ડેથ વોરંટની પ્રક્રિયા શરૂ કરી દેવાય.
આ અંગે કેન્દ્ર સરકાર અને તિહાર જેલ પ્રશાસને હાઈકોર્ટમાં અરજી કરીને પટિયાલા હાઉસ કોર્ટના એ નિર્ણયને પડકાર્યો છે, જેમાં નિર્ભયાના ચારેય આરોપીઓના ફાંસીને અટકાવાઈ હતી. આ અરજી પર શનિવાર અને રવિવારે વિશેષ સુનાવણી થઈ હતી, જેના બાદ કોર્ટે તેનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. આ સાથે જ દોષિતોને ફાંસી ટાળવાના મામલો મંગળવારે રાજ્યસભામાં પણ ઉઠાવાયો હતો. આમ આદમી પાર્ટીએ આ મામલામાં રાષ્ટ્રપતિ અને ચીફ જસ્ટિસને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા આમ આદમી પાર્ટીના સંજય સિંહે કહ્યું કે, ચારેય દોષિતોને મોતની સજા સંભળાવવામાં આવી છે. પરંતુ સજા પર અમલ કરવામાં સતત મોડું કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલામાં રાજકીય નિવેદનબાજીઓ પણ થઈ રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. સંજય સિંહે કહ્યું કે, ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ બનેલી ઘટના બાદ આખો દેશ રસ્તા પર ઉતર્યો હતો.પરંતુ, આરોપીઓની ફાંસી વારંવાર ટળતી રહે છે. સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, આ અત્યંત સંવેદનશીલ અને ગંભીર મુદ્દો છે. કોર્ટના આદેશ પર તાત્કાલિક અમલ થવો જોઈએ.
કોર્ટે નિર્ભયાના માતા-પિતાને ઝડપથી નિર્ણય આપવાનું આશ્વાસન આપ્યું
આ પહેલા મંગળવારે નિર્ભયાના માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની અરજી પર ઝડપથી નિર્ણય આવે તે અંગે પિટીશન કરી હતી, જેથી દોષિતોને ફાંસી આપી શકાય. કોર્ટે આ મામલાની સુનાવણી કરતા નિર્ભયાના માતા-પિતાને એ આશ્વાસન આપ્યું કે ઝડપથી આ અંગે આદેશ આપવામાં આવશે.
ટ્રાયલ કોર્ટે ૩૧ જાન્યુઆરીએ ચારેય દોષિતોની ફાંસી આગામી આદેશ સુધી અટકાવી હતી
મળતી માહિતી પ્રમાણે, ટ્રાયલ કોર્ટે ગત મહિને ૭ જાન્યુઆરીએ ૨૨ જાન્યુઆરીના રોજ ૭ વાગ્યે તિહાર જેલમાં તમામ ચાર દોષિતોને ફાંસી આપવા માટેનું બ્લેક વોરંટ જાહેર કર્યું હતું. જો કે, એક આરોપીની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે હોવાથી ફાંસી અપાઈ ન હતી. બાદમાં ટ્રાલય કોર્ટે ૧૭ જાન્યુઆરીના રોજ દોષિતોની ફાંસીની તારીખ ૧ ફેબ્રુઆરી નક્કી કરી હતી. પરંતુ ૩૧ જાન્યુઆરીએ ફરી પટિયાલા હાઉસ કોર્ટે એવું કહીને ત્રણ દોષિતો પવન, વિનય અને અક્ષયની ફાંસી આગામી આદેશ સુધી અટકાવી દીધી હતી હાલ પણ તેમના કાયદાકીય વિકલ્પ પુરી રીતે ખતમ થયા નથી.
ચારેય આરોપીઓની હાલની સ્થિતિ
મુકેશ સિંહ અને વિનય શર્માના બન્ને વિકલ્પ(ક્યૂરેટિવ પિટીશન અને દયા અરજી)ખતમ થઈ ચુક્યા છે
અક્ષય ઠાકુરની ક્યૂરેટિવ પિટીશન ફગાવાઈ છે. દયા અરજી રાષ્ટ્રપતિ પાસે વિચારાધીન છે
પવન ગુપ્તાએ ન તો ક્યૂરેટિવ પિટીશન કરી છે અને ન તો રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી છે