
નિર્ભયા કેસ : રાષ્ટ્રપતિએ દોષિતો પવનની દયા અરજી ફગાવી.
નવી દિલ્હી
રાષ્ટ્રપતિએ દોષિત પવન ગુપ્તાની દયા અરજી ફગાવી છે. દોષિત પાસે ફાંસીની સજાથી બચવાનો આ છેલ્લો કાયદાકીય વિકલ્પ હતો. સુપ્રીમ કોર્ટમાં સોમવારે પવનની ક્યૂરેટિવ પિટીશન ફગાવાયાના તાત્કાલિક બાદ તેને રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. એ જ આધારે ટ્રાયલ કોર્ટે દોષિતોની ફાંસી ત્રીજી વખત ટાળી દીધી હતી.
દોષિત પવને સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન કરીને ફાંસીને ઉંમરકેદમાં ફેરવવાની અપીલ કરી હતી. તેને ફગાવતા જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચે કહ્યું હતું કે, સજા પર પુનર્વિચાર કરવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો.
ત્રીજી વખત ફાંસી અટકાવ્યા બાદ નિર્ભયાની માતાએ સિસ્ટમ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સજા પર વારં વાર રોક લગાવવાની સિસ્ટમની નિષ્ફળતા બતાવે છે. આપણી આખી સિસ્ટમ જ ગુનાખોરોની મદદ કરે છે.
સુપ્રીમ કોર્ટને ક્યૂરેટિવ પિટીશન ફગાવ્યા બાદ પવને દયા અરજી કરી હતી. ત્યારબાદ દોષિતોના વકીલે ટ્રાયલ કોર્ટમાં દયા અરજી બાકી હોવાના કારણે ફાંસી પર રોક લગાવવાની અપીલ કરી હતી. કોર્ટે ક્યૂરેટિવ અને દયા અરજી કરવામાં મોડું થવા માટે પવનના વકીલ એપી સિંહની ઝાટકણી કાઢી હતી. જજે કહ્યું કે, કોઈએ પણ ખોટું પગલું ભર્યું તો, પરિણામ તમારી સામે હશે. કોર્ટે સિંહને કહ્યું- તમે આગ સાથે રમત રમી રહ્યા છો.