નિર્ભયા કેસ : ચારેય દોષિતોનું ચોથું અને સંભવિત અંતિમ ૨૦ માર્ચે સવારે ૫.૩૦ વાગે ફાંસી અપાશે
નવી દિલ્હી
કાયદાકીય વિકલ્પોનો કારણે બે મહિના સુધી ફાંસીથી બચતા નિર્ભયા કેસના ચારેય દોષિતોના દરેક કાયદાકીય વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે. આજે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ચોથી વખત ડેથ વોરન્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે કોર્ટ દ્વારા ડેથ વોરન્ટ જાહેર કર્યું છે તે પ્રમાણે ૨૦ માર્ચે સવારે છ વાગે ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દોષી પવન ગુપ્તાની અરજી પણ ફગાવી દીધી છે. ત્યારપછી દિલ્હી સરકાર નવું ડેથ વોરન્ટ જાહેર કરવા માટે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી ગઈ હતી. એડિશનલ જજ ધર્મેન્દ્ર રાણાએ ચારેય દોષિતોને નોટિસ જાહેર કરીને ગુરુવાર સુધી જવાબ માંગ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી પવન ગુપ્તાની દયા અરજી બુધવારે ફગાવી દીધી હતી. તેની પાસે ફાંસીની સજાથી બચવા માટેનો આ છેલ્લો કાયદાકીય વિકલ્પ હતો. સુપ્રીમ કોર્ટમાં સોમવારે ક્યુરેટિવ પિટીશન નકારવામાં આવ્યાના તુરંત પછી પવને રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. આ આધાર પર ટ્રાયલ કોર્ટે દોષિતોની ફાંસી ત્રીજી વખત ટાળી દીધી હતી.
દોષી પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને ફાંસીને બદલે આજીવન કેદની માંગણી કરી હતી. તેને નકારીને જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી ૫ જજની બેન્ચે કહ્યું હતું કે, સજા પર પુનઃવિચાર કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. આ પહેલાં રાષ્ટ્રપતિ નિર્ભયા કેસમાં ત્રણ અન્ય દોષિતો અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી ફગાવી ચૂક્યા છે.