
દિલ્હી હિંસા : ઉત્તર-પૂર્વી દિલ્હીમાં CAA વિરોધ હિંસામાં ૧૩ લોકોના મોત
નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વી દિલ્હીમાં CAA વિરોધ હિંસામાં ૧૩ લોકોના મોત થયા છે. મુસ્તફાબાદ હિંસામાં ઘાયલ ઘણાં લોકોની અલ હિન્દ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મંગળવારે મોડી રાતે સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સના એક ગ્રૂપ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુનાવણી જસ્ટિસ મુરલીધરના ઘરે થઈ હતી. જજની પેનલે પોલીસને આદેશ આપ્યો છે કે, સુરક્ષા સાથે ઘાયલોને અલ હિંદ હોસ્પિટલમાંથી જીટીબી અથવા અન્ય કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે. બીજી બાજુ એનએસએ અજીત ડોભાલ મોડી રાતે હિંસા પ્રભાવીત સીલમપુર વિસ્તારની મુલાકાત કરવા ગયા હતા. તેમની સાથે દિલ્હીના નવા સ્પેશિયસ સીપી એનકે.શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા.
એક ફોરમે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરીને કહ્યું હતું કે, મુસ્તફાબાદ હિંસામાં ઘાયલ થયેલા લોકોની યોગ્ય સારવાર અલ હિન્દ હોસ્પિટલમાં શક્ય નથી. તેથી દર્દી અને ડોક્ટર્સને પોલીસ સુરક્ષામાં જીટીબી અથવા અન્ય કોઈ હોસ્પિટલમાં મોકલવા જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અલ હિન્દ હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ નથી અને ત્યાં અમ્બ્યુલન્સની સુવિધા પણ નથી. ત્યારપછી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને પોલીસને આ સંબંધીત આદેશ આપ્યો છે.
મંગળવારે મોડી રાતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે હિંસા ગ્રસ્ત સીલમપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓ પહેલાં નોર્થ ઈસ્ટ દિલ્હીના ડીસીપી વેદ પ્રકાશ સૂર્યાની ઓફિસ પહોચ્યા હતા. અહીં તેમણે અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. ત્યારપછી ડોભાલ સીલમપુર રવાના થયા હતા. તેમની સાથે દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક પણ હાજર હતા. દ્ગજીછએ હિંસામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકો સિવાય અટકાયતમાં લેવામાં આવેલા આરોપીઓ વિશે માહિતી મેળવી હતી.
ઉત્તર-પૂર્વી દિલ્હી હિંસા પર કાબુ મેળવવા માટે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાત સુધીમાં ૨૪ કલાકની અંદર ૩ બેઠક કરી હતી. દિલ્હીના નવા કાયદા વ્યવસ્થાપક એસએન શ્રીવાસ્તવ સાથે મોડી રાતે ત્રણ કલાક સુધી બેઠક કરી હતી. ત્યારપછી એનએસએ અજીત ડોભાલ સ્થિતિ જોવા સીલમપુર પહોંચ્યા હતા. હિંસાગ્રસ્ત અમુક વિસ્તારો જેવા કે ભજનપુરા, ઘોંડા, યમુના વિહાર, ચાંદબાગ, કરાવલ નગર સહિત ઘણાં વિસ્તારોમાં મંગળવારે વહેલી સવારથી જ હિંસા શરૂ થઈ ગઈ હતી. ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં સવારે ૭ વાગ્યાથી જ ઘાયલો પહોંચવા લાગ્યા હતા. દર ૧૫ મિનિટે ગોળી અથવા પથ્થરોથી ઘાયલ થયેલુ કોઈને કોઈ વ્યક્તિ પહોંચતુ હતું.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શાહીનબાગમાં સુપ્રીમ કોર્ટના મધ્યસ્થીઓ વાત કરી રહ્યા હતા. ત્યાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનની ઈમેજ જાળવી રાખવા માચે અન્ય જગ્યાઓ પર હિંસક પ્રદર્શન કરવામાં આવ્યા હોય તેવું માનવામાં આવે છે. સ્પેશિયલ બ્રાન્ચના સૂત્રો તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન વાતાવરણ જાણી જોઈને ખરાબ કરવામાં આવે તેવી શક્યતા હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, હિંસક ઘટનામાં બહારના લોકો સામેલ હોવાની શક્યતા છે. હિંસા માટે નાની ઉંમરના લોકોને ઉશ્કેરવામાં આવ્યા છે.