
ચીનમાં ફેકટરીઓ બંધ થવાથી ભારતમાં પેરાસીટામોલની કિંમતમાં ૪૦ ટકાનો વધારો
કોરોનાવાયરસનું સંક્રમણ વધવાની અસર ચીનની સાથે-સાથે ભારતમાં પણ જોવા મળી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ચીનમાંથી આવતા સપ્લાઈ પર અસર થવાના પગલે ભારતમાં પેરાસીટામોલ દવાની કિંમત ૪૦ ટકા વધી ગઈ છે. ઝાયસ કેડિલાના ચેરમેન પંકજ પટેલનું કહેવું છે કે બેકટેરિયા ઈન્ફેક્શનની સારવારમાં વપરાતી એન્ટીબાયોટિક એઝીથ્રોમાઈસીનની કિંમત ૭૦ ટકા વધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો અગામી મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં સપ્લાઈ શરૂ ન થયો તો સમગ્ર ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ઈન્ગ્રીડીઅન્ટ્સની કમી થઈ શકે છે.કોરોનાવાયરસના સંક્રમણના કારણે ચીનમાં ફેકટરીઓ બંધ છે. આ કારણે વિશ્વમાં સપ્લાઈને અસર થઈ છે. ભારત જેવા ઘણાં દેશો રો-મટિરિયલ અને ઈન્ગ્રીડિએન્ટ્સ માટે ચીન પર વધુ નિર્ભર છે. પટેલનું કહેવું છે આવનારા સમયમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રીડિએન્ટ્સની કિંમતો ઝડપથી વધી શકે છે. વિશ્વમાં જેનેરિક દવાઓ પુરી પાડવાના મામલામાં ભારત સૌથી મોટું બજાર છે. અમેરિકાના બજારને ડ્રગ્સ પુરી પાડનાર ૧૨ ટકા મેન્યુફેકચરિંગ સાઈટ્સ ભારતમાં છે. ભારત તેની ફાર્મા ઈન્ગ્રીડિએન્ટ્સની જરૂરિયાતોની લગભગ ૮૦ ટકા સુધી ચીનથી આયાત કરે છે.