
ગુજરાત / રક્ષાશક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે GISF ભરતી ઇન્ટરવ્યૂ રદ
અમદાવાદ: રક્ષાશક્તિ યુનિવર્સિટીના સ્નાતક-ડિપ્લોમા પાસ વિદ્યાર્થીઓ માટે જીઆઈએસએફનો ભરતી ઇન્ટરવ્યૂ મંગળવારે રદ કરવામાં આવ્યો હતો. આથી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટેના ઇન્ટરવ્યૂ થઈ શક્યા નથી. નવી તારીખોની જાહેરાત હવે પછીથી કરાશે તેમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીના સીઈઓ સી. એમ. ચૌહાણે જણાવ્યું છે.
અસારવા- ગિરધરનગર બહુમાળી ભવન રોજગાર કચેરીની બાજુમાં સી-બ્લોકમાં આવેલી જીઆઈએસએફ કચેરી તરફથી રક્ષાશક્તિ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ અને ગ્રેજ્યુએટ યુવાનોના સિક્યુરિટી ગાર્ડ માટે 28 અને 29 જાન્યુઆરીએ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા.
મંગળવારે રક્ષાશક્તિ યુનિવર્સિટીના 270 ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જીઆઈએસએફ જવાનોના યુનિયન તરફથી વિવિધ પ્રશ્ને હાઈકોર્ટમાં રજૂઆત કરાતા છેલ્લી ઘડીએ ભરતી માટેના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે. સરકારી કચેરીઓમાં જીઆઈએસએફના આશરે 5 હજાર જવાન ફરજ બજાવે છે