
ગાંધીનગરઃ સોનાની દુકાનમાં લૂંટના ઇરાદે ફાયરિંગ, માલિકને લોહીલુહાણ કરી ફરાર
સલામત કહેવાતા ગાંધીનગરમાં બનેલા ફાયરિંગના આ બનાવમાં દુકાનમાલિકને ખભામાં ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે સીસીટીવી કૅમેરાના ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી હતી. ન્યૂ ગાંધીનગરના કુડાસણમાં મેઇન રોડ પર આવેલી કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સસ્થિત આદિશ્વર જ્વેલર્સમાં ગુરુવારે રાત્રે ઘૂસી આવેલા ૩ શખ્સે દુકાનમાલિક પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવા પ્રયાસ કર્યો હતો. જોકે દુકાનમાં કામ કરતા કર્મચારીએ લૂંટારુઓ પર ચીજવસ્તુઓ ફેંકીને પ્રતિકાર કર્યો હતો. આ સાથે બુમરાણ મચતાં લૂંટારુઓ બાઇક પર ભાગી છૂટ્યા હતા.બનાવસ્થળ પરથી જાણવા મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે કુડાસણ વિસ્તારમાં જ રહેતા અને મેઇન રોડ પર આદિશ્વર જ્વેલર્સ નામે દુકાન ધરાવતા કમલેશભાઈ જૈન અને તેમના કર્મચારીઓ દુકાનમાં હતા ત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે બાઇક પર ૩ શખ્સ આવ્યા હતા. દુકાનમાં આવતાંની સાથે જ એક શખસે પિસ્તોલ કે રિવેલ્વર જેવા હથિયારથી કમલેશભાઈ પર ફાયરિંગ કર્યું હતું.૪ રાઉન્ડ ફાયર થયા તેમાં કમલેશભાઈને જમણા ખભા પર ઈજા થઈ હતી અને લોહીલુહાણ બની ગયા હતા. આ સાથે બુમરાણ મચતાં દુકાનના કર્મચારીએ હાથમાં આવી તે વસ્તુઓ લૂંટારુઓ પર ફેંકીને પ્રતિકાર કર્યો હતો. બીજી બાજુ હોબાળો મચી જવાના પગલે ત્રણે શખ્સો દુકાનમાંથી બહાર નીકળી ગયા હતાં અને ભાગી છૂટ્યા હતા.આ બનાવથી મોડી રાત્રે શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.લૂંટના ઇરાદે ફાયરિંગ કરનારા આરોપીઓ પૈકીનો ૧ શખ્સ બુધવારે રાત્રે ૮.૩૦ વાગ્યાના અરસામાં જ આદિશ્વર જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવ્યો હોવાનું અને સોનાની વીંટીઓ જોઈને ગયો હોવાનું કર્મીએ પોલીસને જણાવ્યું હતું.
આરોપીને ઓળખવા ૧૫ ટીમને ચારે દિશામાં દોડાવાઇ ઃ એસ.પી. ચાવડા સ્થળ પર દડી આવેલા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું કે સીસી ટીવીમાં ૩ ચહેરા સ્પષ્ટ દેખાય છે, તેમને ઓળખી કાઢવા અને પકડી પાડવા માટે પોલીસની ૧૫ ટુકડી રચવામાં આવી છે અને તેમને ચારે દિશામાં રવાના કરાઇ છે.