
કોરોના : PM મોદી સામે એકેડમિક કેલેન્ડર, રજાઓ અને કોલેજની પરીક્ષાઓની તૈયારી એ નવા પડકારો છે
કોરોનાવાયરસના લીધે એકડમિક કેલેન્ડર ખોરવાઇ ગયું છે. તેને ધ્યાનમાં રાખીને મોદી સરકાર ઉચ્ચ શિક્ષણથી જોડાયેલી એક ઇમરજન્સી યોજના પર કામ કરી રહી છે. આ પ્લાનની જાહેરાત ૧૪ એપ્રિલ બાદ થાય તેવી શક્યતા છે. પ્લાનમાં વૈકલ્પિક એકેડમિક કેલેન્ડર સિવાય કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવાની પ્રક્રિયા, રજાઓ અને પરિણામોની જાહેરાત માટે નવા શેડ્યૂલની સંભાવના છે.
તે સિવાય આ પ્લાનમાં વિદ્યાર્થીઓ માટે કરિયરની સંભાવનાઓને લગતી સલાહો પણ સામેલ કરવામાં આવશે. યુજીસીએ ૬ એપ્રિલે આ યોજનાઓને બનાવવા માટે એક સાત સભ્યોની કમિટી બનાવી હતી. કમિટીના પ્રમુખ હરિયાણા સેન્ટ્રલ યુનિવર્સિટીના વીસી આરસી કુહદ છે. અન્ય સભ્યોમાં વનસ્થલી વિદ્યાપીઠના વીસી, પંજાબ યુનિવર્સિટી અને શ્રી વૈષ્ણવ વિદ્યાપીઠ વિશ્વવિદ્યાલયન વીસી, ઇન્ટર યુનિવર્સિટી એક્સલરેટર સેન્ટરના નિદેશક અને યુજીસીના બે સહ-સચિવ સામેલ છે.
યુજીસીના સચિવ રજનીશ જૈને એક મીડિયાને નિવેદનમાં કહ્યું- અમારી સામે એક વિકટ પરિસ્થિતિ છે અને કોઇને ખબર નથી કે કોલેજ અને યુનિવર્સિટી ક્યારે ખુલશે. તેથી એક વૈકલ્પિક યોજના બને તે જરૂરી છે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા મામલાઓ માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી વૈકલ્પિક એકેડમિક કેલેન્ડરથી લઇને વર્તમાન પરિસ્થિતિમાં પરીક્ષા કરાવવા સહિત રિઝલ્ટ આપવાના મુદ્દાઓ પર વિચાર કરશે.
સચિવે કહ્યું કે સૌથી મોટી પ્રાથમિકતા સમયસર પરીક્ષા કરાવવી અને એકેડમિક સત્ર સમયસર શરૂ કરવાનું છે જેથી વિદ્યાર્થીઓને કોઇ પ્રકારનુ નુકશાન ન થાય. કમિટી તે નિયમો તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જેથી તેના ઉપયોગથી આ બાબતો પાર પાડી શકાય. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓના કરિયર અને ઇન્ટર્નશીપ પર ધ્યાન દેવાનું કામ કરવાનું છે. એવું ન થાય કે લોકડાઉનના કારણે તે પ્રભાવિત થાય. કોરોના મહામારીના લીધે કરિયર પર પ્રભાવ પડશે જેના લીધે IIT અને IIM જેવી સંસ્થાઓ નોકરી ન મળે તેવી સ્થિતિમાં શુ કરવું તે અંગે કામ કરી રહી છે. એક અમેરિકન કંપની દ્વારા નોકરી અને ઇન્ટર્નશીપની ઓફર પાછી ખેંચવામાં આવ્યા બાદ આ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયને ૧૩ એપ્રિલના એક રિપોર્ટ સોંપવામાં આવશે જેમાં સરકાર આ મહામારી બાદ પેદા થયેલી પરિસ્થિતમાં શું કરી શકાય તેનું સૂચન કરવામાં આવશે. એવી શક્યતા છે કે ત્યારબાદ કોઇ યોજનાની જાહેરાત કરવામાં આવે. લોકડાઉનના કારણે ૨૪ માર્ચના જે પરીક્ષાઓ થવાની હતી તે રદ્દ કરવી પડી છે.