કોરોનાએ પાકિસ્તાનમાં ખબલબી મચાવી
રખેવાળ, ગુજરાત્ત
પાકિસ્તાન તરફથી કોરોના વાયરસને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. અહીંના સિંધ પ્રાંતમાં, એક જ દિવસમાં પરીક્ષણ કરાયેલા ૨૦ ટકા કેસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જે વિશ્વમાં સૌથી વધુ સરેરાશ છે. આ ભયાનક આંકડાનુ પરિણામ ઇમરાન ખાન અને સિંધના સીએમ સૈયદ મુરાદ અલી શાહની ચિંતા વધારી શકે છે અને તેમણે પ્રાંતના રહેવાસીઓને વધુ સાવચેતી રાખવા જણાવ્યું છે.
બીજી તરફ પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૪ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને મૃત્યુની સંખ્યા ૮૬ થઈ ગઈ છે. લોકડાઉન પછી પણ આંકડા વધી રહ્યા છે. સિંધના સીએમ શાહે એક વીડિયો જાહેર કરતાં કહ્યું કે, શુક્રવારે સવારે ૮થી શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં ૫૩૧ નવા ટેસ્ટ લેવામાં આવ્યા છે, જેમાં ૧૦૪ પોઝિટીવ મળ્યા છે.
સીએમ શાહે કહ્યું, “આ ચિંતાનો વિષય છે અને સમાધાન ફક્ત સામાજિક અંતર અને લોકડાઉનનું પાલન કરવાથી જ થશે. શાહે કહ્યું કે, આ વખતે ટેસ્ટ કરવામાં આવ્યા એ કેસોમાં ૨૦% કેસ પોઝિટીવ છે, તે વિશ્વમાં પોઝિટીવ કેસોમાં સૌથી વધુ સરેરાશ છે. આપણા પ્રાંતમાં પોઝિટીવ કેસોની સંખ્યા ૧,૩૧૮ થઈ ગઈ છે. શાહે પ્રાંતના રહેવાસીઓને ચેતવણી આપી હતી કે, લોકડાઉન સમાપ્ત થયા પછી પણ લોકોએ કાર્યસ્થળ, ઘરો અને જાહેર પરિવહનમાં સામાજિક અંતર રાખવું પડશે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ૫,૦૩૮ લોકોને કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે અને ૮૬ લોકોની મોતની પુષ્ટિ થઈ છે.
૨૪ કલાકમાં ૨૫૪ કેસ નોંધાયા છે. જેણે ઇમરાન સરકારની ઉંઘ હરામ કરી નાખી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સિંધમાં ૧૩૧૮, ખેબર-પખ્તુનૂઆમાં ૬૯૭, બલુચિસ્તાનમાં ૨૨૮, ગિલગીત-બાલ્ચિસ્તાનમાં ૨૧૬, ઇસ્લામાબાદમાં ૧૧૯ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૩૫ કેસ નોંધાયા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં ૬૧,૮૦૧ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.