ઓપરેશન : સામસામી લડાઇમાં ૫ આતંકી ઠાર, સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરી ચૂકેલા પેરા યુનિટના ૫ જવાન શહીદ
શ્રીનગર
આ વર્ષના સૌથી મુશ્કેલ ઓપરેશનમાં સેનાની ૪ પેરા યુનિટના જવાનો શહીદ થયા છે. જોકે રવિવારે ખતમ થયેલા આ એન્કાઉન્ટર દરમિયાન સેનાની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ લેનારી પેરા યુનિટના ૫ જવાન શહીદ થઇ ગયા. આર્મીની આ એ જ યુનિટ છે જેણે ૨૦૧૬માં ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું.
સેનાએ ડ્રોન દ્વારા ગત અઠવાડિયે કાશ્મીરના કેરન સેક્ટરમાં અમુક આતંકવાદીઓને ઘુસણખોરી કરતા જોયા હતા. આતંકવાદીઓને ખતમ કરવા માટે બુધવારે ૧ એપ્રિલના એક ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ વિસ્તારમાં એટલો વધારે બરફ હતો કે જવાનો માટે ઘુસણખોરોની લોકેશન સુધી પહોંચવું મુશ્કેલ હતું. ત્યારબાદ શનિવારે ઓપરેશનના ચોથા દિવસે સેનાએ પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટર દ્વારા એલઓસી પાસે ઉતાર્યા હતા. શનિવારે આખી રાત અને રવિવાર સવાર સુધી ફાયરિંગ થતી રહી.
જવાનોએ બરફ પર પગના નિશાન જોયા હતા. તેઓ આતંકવાદીઓની લોકેશન સુધી પહોંચવા માંગતા હતા પરંતુ વચ્ચે બરફનો એક ભાગ તૂટી ગયો અને તેઓ નાળામાં પડી ગયા હતા. આ નાળા પાસે આતંકવાદી છૂપાયેલા હતા. આતંકવાદી અને જવાનો વચ્ચે પોઇન્ટ બ્લેન્ક રેન્જ પર એન્કાઉન્ટર થવા લાગ્યું. ખાસ ટ્રેનિંગના લીધે પડ્યા બાદ પણ પેરાટ્રૂપર્સે પાંચ આતંકવાદીઓને મારી નાખ્યા.
ત્રણ કમાન્ડો અને પાંચ આતંકવાદીઓના મૃતદેહ ૫ મીટરના દાયરામાં મળ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે તેમની વચ્ચે સામસામી લડાઇ થઇ હતી. બે જવાન ગંભીર હાલતમાં મળ્યા જેમને રવિવારે એરલિફ્ટ કરીને શ્રીનગરમાં આર્મી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. આર્મીની આ ૪ પેરાયુનિટે ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો હતો. રવિવારે રાત્રે થયેલા આ ઓપરેશને હિમાચલ પ્રદેશના સુબેદાર સંજીવકુમાર લીડ કરી રહ્યા હતા. તેમની સાથે ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લેનાર પેરાટ્રૂપર અમિતકુમાર અંથવાલ પણ હતા જેઓ ઉત્તરાખંડના રહેવાસી છે.