ઈંગ્લેન્ડઃ૬૧ વર્ષીય પૂર્વ નાવિકે ૭૦ હજાર દીવાસળીથી ૪૦૦ વર્ષ જૂના જહાજની પ્રતિકૃતિ બનાવી
સાઉથમ્ટન: ઈંગ્લેન્ડના પૂર્વ નાવિક ડેવિડ રેનોલ્ડ્સે 61 વર્ષની ઉંમરે 70 હજાર દીવાસળી વડે 400 વર્ષ જૂના ‘મેફ્લાવર’ જહાજની રેપ્લિકા બનાવી છે. છેલ્લ્લા 2 વર્ષથી તેઓ આ કામમાં વ્યસ્ત હતા. પ્રતિકૃતિ 4 ફૂટ ઊંચી અને 5 ફૂટ લાંબી છે, તેને બનાવતા 900 કલાકનો સમય લાગ્યો છે. દીવાસળીને એકસાથે ચોટાડવા માટે દોરા અને ગ્લૂનો ઉપયોગ કર્યો છે. જહાજનું વજન આશરે 7.2 કિલોગ્રામ છે.ઐતિહાસિક જહાજની રેપ્લિકા બનાવવા માટે ડેવિડે નાનામાં નાની વાતનું ધ્યાન રાખ્યું છે. મેફ્લાવર જહાજ 6 સપ્ટેમ્બર,1620ના રોજ 102 લોકોને અમેરિકા જવા માટે રવાના થયું હતું. બે મહિના બાદ તે અમેરિકાના મેસાચુએટ્સ રાજ્યના કિનારે પહોંચ્યું હતું. આ જહાજમાં એક મીની બોટ અને તોપ પણ રહેતી હતી.ડેવિડ આની પહેલાં 40 જહાજ બનાવી ચૂક્યો છે. મેફ્લાવર પણ તેમાંનું જ એક છે. વર્ષ 2009માં 21 ફુટ ઊંચી નોર્થ સી ઓઈલ શિપની રેપ્લિકા બનાવવા બદલ તેમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તેને બનાવવામાં 41 લાખ દીવાસળીનો ઉપયોગ કર્યો હતો.