આસારામની માટે હંગામી જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે ફરી સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સાધિકાઓ પર દુષ્કર્મના ચકચારભર્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઇએ પોતાના પિતા આસારામની ખબર કાઢવા અને તેમને મળવા માટે હંગામી જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે આજે ફરી સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ વિમલ કે.વ્યાસની ખંડપીઠે નારાયણ સાંઇની અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં તેને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.

કેસની સુનાવણી દરમ્યાન ફરી એકવાર નારાયણ સાંઇની વિશ્વસનીયતાને લઇ સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું કે, તમે તમારા પિતાની તબિયત નાદુરસ્ત અંગેના જે દાવાઓ કર્યા છે, તેની ખરાઇ- ચકાસણી કરવી પડશે. દરમ્યાન નારાયણ સાંઇની હંગામી જામીન અરજીનો રાજય સરકાર તરફથી સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, અરજદાર તેમના પિતા આસારામને મળવાનો જે દાવો કરે છે તે ટકી શકે તેમ નથી

કારણ કે, ખુદ રાજસ્થાન હાઇકોર્ટે આસારામના પેરોલ નામંજૂર કરતો અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવવા સહિતની તમામ માંગણીઓ ફગાવતો બહુ મહત્ત્વનો હુકમ કરેલો છે, જે કોર્ટના રેકર્ડ પર રજૂ કર્યો છે. જેમાં ખુદ આસારામે એઇમ્સમાં સારવારનો આગ્રહ નથી રાખ્યો અને આસારામને આયુર્વેદ સહિતની જે કોઇ સારવાર જોઇતી હોય તે ત્યાં જેલમાં તમામ રીતે નિષ્ણાત ડોકટરો દ્વારા અપાઇ જ રહી છે. આ સંજોગોમાં જો આસારામને કોઇ ખાનગી હોસ્પિટલ કે અન્ય કોઇ જગ્યાએ દાખલ કરાયા નથી કે ત્યાં તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી નથી તો તેમને મળવાનો કોઇ મુદ્દો ઉપસ્થિત જ થતો નથી. આ સંજોગોમાં આરોપી નારાયણ સાંઇની અરજી હાઇકોર્ટે ફગાવી દેવી જોઇએ.

નારાયણ સાંઇ તરફથી હાઇકોર્ટને વિનંતી કરાઇ હતી કે, તેઓ તેમના બિમાર પિતા આસારામની મુલાકાત લેવા ઇચ્છે છે, તેમનું જીવન છેલ્લા તબક્કામાં છે ને તેમની તબિયત બહુ નાજુક છે, તેમને એક વાર મળવા માટે જવા દો. જો કે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આસારામને જરૃરી સારવાર બાદ જોધપુર જેલમાં લાવી દેવાયા છે અને ત્યાં પણ તેમની સારવાર ચાલી જ રહી છે. રાજસ્થાન હાઇકોર્ટનો હુકમ જોતાં પણ હંગામી જામીન આપવાનું કોઇ કારણ જણાતું નથી. આમ કહી હાઇકોર્ટે નારાયણ સાંઇની હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં તેને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.

અગાઉ હાઇકોર્ટે નારાયણ સાંઇને એક લાખનો દંડ ફટકાર્યો હતો
અગાઉ પણ નારાયણ સાંઇએ માતાની બિમારીના કારણસર જામીન માંગતી વખતે હાઇકોર્ટ સમક્ષ બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેની ગંભીર નોંધ લઇ હાઇકોર્ટે નારાયણ સાંઇને એક લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ તેની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.