
આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર, રાજયપાલ આનંદીબેન-મુખ્યમંત્રી યોગીએ કર્યું સ્વાગત.
આગ્રાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ૨ દિવસના પ્રવાસે ભારત આવ્યા છે. તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે. ટ્રમ્પ પરિવાર અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચી ગયા છે. અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હવે. ટૂંક સમયમાં ટ્રમ્પ પરિવાર તાજમહેલ જોવા રવાના થશે.
ટ્રમ્પની યાત્રાને ખાસ બનાવવા માટે એરપોર્ટથી તાજમહાલ સુધીના રસ્તામાં ૨૧ જગ્યાઓ પર ૩૦૦૦ કલાકારોએ ભારતીય કલા અને સંસ્કૃતિનો તેમને પરિચય કરાવ્યો હતો. ટ્રમ્પના પ્રવાસના પગલે સોમવારે ૧૨ વાગે તાજમહાલ આમ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે જે હવે મંગળવારે સવારે ખુલશે.
ટ્રમ્પની ફ્લીટમાં ૩૫થી ૪૦ ગાડીઓ સામેલ રહેશે. ટ્રમ્પની ‘ધ બીસ્ટ’ કારની આગળ તથા પાછળ અમેરિકન અધિકારીઓની ગાડીઓ હશે. તેની પાછળ પોલીસની ગાડી અને એમ્બ્યુલન્સ હશે. સુરક્ષા માટે આગ્રાને ૧૦ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. એરપોર્ટથી તાજમહેલ સુધીના ૧૪ કિમીના રસ્તામાં પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સના લગભગ ૧૦ હજાર જવાનને ખડેપગે રાખવામાં આવ્યા છે. ૩૦૦ સિપાહી સાદી વર્દીમાં છે. ૪૦૦ ટ્રાફિક કર્મચારીઓને બહારથી બોલાવાયા છે. ડ્રોનથી આખા રસ્તામાં અને તેની આસપાસના વિસ્તારની દેખરેખ રાખવામાં આવી રહી છે. ૧૮ સ્થળો પર ૩૦થી વધારે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. તમામ પ્રકારની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તેમના રસ્તા પર ૭૫ ઘર અને બિલ્ડિંગને ચિન્હિત કરવામાં આવ્યા છે. તેના ધાબા પર પોલીસ કર્મીઓ દેખરેખમાં લાગી ગયા છે. ગ્રાઉન્ડ પર ડ્યુટી કરનારા પોલીસકર્મીઓને તો સરળતાથી જોઈ શકાશે પણ ધાબા પર દેખરેખમાં લાગેલા પોલીસક્રમીઓનું મોનિટરિંગ કરવામાં તકલીફ થતી હતી. આ વખતે એ તમામ ઘરો, દુકાનો અને હોટલોનું ગૂગલ જીઓ ટેગિંગ કરી દેવાયું છે. તેનાથી સ્થાનિક અધિકારીઓને મોનિટરિંગમાં સરળતા રહેશે. સાથે જ માહિતી મળી રહી છે કે અમેરિકન સુરક્ષા એજન્સી તેની મુખ્ય ઓફિસ પેન્ટાગન પરથી પણ નજર રાખી રહી છે.