
મહેસાણા : અકસ્માત કેસમાં મહિલાના પતિ, ૨ સંતાનોને રૂ.૭૪.૪૭ લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ
મહેસાણાઃ ઓઇલ મિલનાં માલિક એવાં મહિલાનું ૬ વર્ષ પૂર્વે થરાથી ઊણ ગામ પાસે ડમ્પરની ટક્કરે મોત થવાની ઘટના બાદ તેમના પતિએ મૂકેલા ક્લેઇમ કેસમાં પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વીમા કંપનીને રૂ.૭૪.૪૭ લાખ મૃતકના પતિ અને બે સગીર સંતાનોને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.
અગાઉ હારિજમાં રાજેશ્વરી ઓઇલ મિલ ધરાવતા અને શીવશક્તિ કોટન લી.ના ભાગીદાર વર્ષાબેન વિનોદચંદ્ર ઠક્કર ગત ૧૨ મે, ૨૦૧૪ના રોજ તેમના ભાઇ અલ્પેશકુમારના મેસ્ટ્રો (જીજે ૮એજી ૨૯૨૯)ની પાછળ બેસી ઊણથી વાલપુરા જઇ રહ્યા હતા, ત્યારે ઉણ આઉટ પોસ્ટ આગળ ડમ્પર (જીજે ૮ઝેડ ૯૫૪૪)ના ચાલકે ટક્કર મારતાં વર્ષાબેન પર ડમ્પરનું ટાયર ફરી વળતાં મોત થતાં મૃતકના પતિ વિનોદચંદ્ર અને તેમના બે સંતાનોએ પોતાના વકીલ ભરતકુમાર જી.પટેલ મારફતે પાટણ કોર્ટમાં અકસ્માત વળતર મેળવવા ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની સામે દાવો દાખલ કર્યો હતો. જે પાટણ ડિસ્ટ્રિક્ટ જજ બી.એસ. ઉપાધ્યાય સમક્ષ ચાલતાં કોર્ટે અકસ્માત વળતરમાં રૂ.૭૪,૪૭,૮૯૫ ચૂકવવા આદેશ કર્યો હતો.