મહેસાણાના ખેરાલુમાં ખતરનાક અકસ્માત, ફૂલ સ્પીડમાં જીપ ઝાડ સાથે ટકરાઈ, ૬નાં દર્દનાક મોત
મહેસાણામાં વહેલી સવારે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર પૂરપાટ ઝડપે જતી એક જીપ રાતના અંધારામાં ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે, આ અકસ્માતમાં ૬ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ૧૨ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં ૩ પુરુષ, ૨ મહિલા, ૧ દસ વર્ષનું બાળકનું મોત થયું છે.
ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે મહેસાણાના ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર જતાં અદિતપુર પાસે જીપને ગંભીર અકસ્માત નડ્યો હતો. અને લોકોનાં કહેવા પ્રમાણે જીપમાં સવાર તમામ લોકો મજૂર હતા અને તેઓ ખેડબ્રહ્માના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ મોતનો આંકડો પાંચ સુધી પહોંચ્યો છે. પણ આ આંકડો વધે તેવી પણ આશંકાઓ છે. દુખની વધુ એક વાત એ છે કે મૃતકોમાં સાત વર્ષની એક બાળકીનો પણ સામેલ છે.
જીપમાં અંદાજે ૨૦ જેટલાં લોકો સવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો ૧૨ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સ્થાનિકોનાં કહેવા પ્રમાણે જીપ ડ્રાઈવર જીપ ફૂલ સ્પીડમાં દોડાવી રહ્યો હતો. અને વહેલી સવારે કદાચ ઝોકું આવવાને કારણે કે પછી સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.