
કડીમાં નર્મદા કેનાલમાંથી હત્યા કરેલી લાશ મળી આવતાં ચકચાર
કડી તાલુકાની નર્મદા કેનાલમાંથી હત્યા કરેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. કડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી એફએસએલ અને ડોગની મદદથી તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી જમીન લે-વેચની ચાલતી ગતિવિધિ હત્યા પાછળનું કારણ હોઇ શકે તેવું અનુમાન છે. ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જીલ્લાના કડી તાલુકાની નર્મદા કેનાલમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. મળતી માહિતી મુજબ સાણંદના ભાવનપુર ગામના અપરિણીત અનિલભાઇ બેચરભાઇ પટેલ (૪૮) ગામમાં આવેલી જમીન પર ખેતી કરાવતા હતા. મંગળવારે સવારે ૯.૩૧ કલાકે અનિલભાઇને તેમના મોટાભાઇ પ્રમુખભાઇએ ફોન કરી તેમના સાળીનું મૃત્યુ થતાં શુક્રવારે બેસણામાં આવવાની વાત કરી વોટસએપ કર્યો હતો. જોકે, સાંજે ૬.૪૪ કલાકે પ્રમુખભાઇને તેમના પિતરાઇ વજુભાઇએ ફોન કરી અનિલભાઇ સવારે ૧૦.૩૦ વાગે તેમની મારૂતિ ગાડી લઇ ચેખલા તરફ જતા જોયા હોવાની અને તેમની કડીના સુજાતપુરા રોડ પર નર્મદા કેનાલમાંથી લાશ મળી આવ્યાની જાણ કરતાં પરિવારજનોએ બનાવ સ્થળે પહોંચી લાશની ઓળખ કરી હતી.
જેમાં અનિલભાઇના માથા અને ગળાના ભાગે તિક્ષણ હથિયારના બે ઘા જોવા મળતાં કડી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. અનિલભાઇ અપરિણીત હતા અને ગામમાં એકલા રહેતા હતા. ગામમાં વડિલોપાર્જીત જમીન તાજેતરમાં ૬ કરોડમાં વેચાણ આપ્યાનું કાચુ લખાણ કર્યું હતું અને બાનાખત પેટે ત્રણ ભાઇઓ વચ્ચે રૂ.૫૦ લાખ આવ્યા હતા. જોકે, અનિલભાઇએ ભાગમાં આવેલા નાણાંમાંથી ૩ વીઘા જમીન ખરીદી રૂ.૫ લાખનું બાનુ પણ આપ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી જમીન લે-વેચની ચાલતી ગતિવિધિ હત્યા પાછળનું કારણ હોઇ શકે તેવું અનુમાન છે.