હોમ ક્વોરોન્ટાઇનમાં રાખેલ વ્યક્તિ બહાર ફરતો દેખાય તો ફરીયાદ દાખલ કરવા કલેકટરનો આદેશ

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના સામેના તમામ પડકારોને પહોંચી વળવા તંત્ર સજ્જ
 
રખેવાળ ન્યુઝ પાલનપુર
નોવેલ કોરોના સામેના તમામ પડકારોને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજાગ અને સજ્જ છે. બહારથી આવેલ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખેલ વ્યક્તિ બહાર ફરતો દેખાય તો ફરીયાદ દાખલ કરી તેને સારવાર આપવા કલેકટરએ અધિકારીઓને આદેશ કર્યો છે. પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને યોજાયેલ અધિકારીઓની બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણમાં લોકો ન આવે તે માટે આપણે ખુબ મોટી સેવાનું કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા બહારથી આવેલ વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની વિગતવાર માહિતી રાખવાની રહેશે. તેમણે બહારથી આવતા લોકોનું સઘન ચેકીંગ કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. તેમણે કહ્યું કે, લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થાય તો સરકારી ક્વોરોન્ટાઇન માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ અત્યારથી તૈયાર રાખવી જરૂરી છે. સરકારી ક્વોરોન્ટાઇનમાં મેનપાવર, ભોજન વ્યવસ્થા, માસ્ક, સેનિટાઇઝેશન સહિત તમામ વ્યવસ્થા ગોઠવવામાં તેમણે જણાવ્યું હતું. 
       
કલેકટરએ જણાવ્યું કે, કોરોના વાયરસની પરિસ્થિતિના કંટ્રોલ માટે આરોગ્ય વિભાગની ૩,૦૦૦ ટીમો ઘરે ઘરે ફરી સર્વે કરી રહી છે. આ ઉપરાંત કલસ્ટર અને ઘરે ઘરે ફરી તલાટી અને શિક્ષકો પણ સર્વે હાથ ધરશે. 
 
 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણના ચેપને અટકાવવા બહારથી આવેલ વ્યક્તિને ઘરના અલગ રૂમમાં રહેવાની વ્યવસ્થા રાખીએ. તે વ્યક્તિ માટે પલંગ, રૂમાલ, ચપ્પલ, બ્રશ સહિત તમામ વસ્તુઓ અલગ રાખીએ અને હોમ ક્વોરોન્ટાઇનના નિયમોનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી રાખીએ. તેમણે કહ્યું કે, હોમ ક્વોરોન્ટાઇનમાં રાખેલ વ્યક્તિ પર સઘન વોચ રાખવામાં આવે છે. તે ઘરની બહાર નીકળે તો પાડોશીઓને પણ તેમનાથી સાવચેત રહેવા જણાવાયું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.