હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિ સામે ટેકનોલોજીનાઉપયોગથી પાલનપુર સીટી પૂર્વ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો
રખેવાળ, પાલનપુર
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ફેલાતી અટકાવવા માટે તા.૨૩ માર્ચ-૨૦૨૦થી રાજયભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ દ્વારા લોકડાઉનનો તથા હોમક્વોરન્ટાઇનનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ અધિકારીઓને કડક સુચના આપવામાં આવેલી છે.
પાલનપુર શહેરમાં સલેમપુરા બરબારી વાસ ખાતે રહેતા શોયબભાઇ મહેબુબભાઇ બાબી મુંબઇ અંધેરીથી આવેલા હોઇ તેમને તા.૦૧/૦૪/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૦ સુધી આરોગ્ય વિભાગે હોમ ક્વોરેન્ટાઇન રહેવાની સુચના આપી હતી. પરંતું ગઇ કાલે તા. ૧૨ એપ્રિલ-૨૦૨૦ના રાત્રિના ૧૧.૦૦ વાગે ઘરની બહાર નીકળેલ હોઇ, આધુનિક ટેકનોલોજીથી ટાવર લોકેશનથી ખબર પડતા પોલીસે તેના ઘરે જઇ તપાસ કરી તો તેઓ ઘરે હાજર નહોતા. આ હોમક્વોરોન્ટઇન કરેલ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની મનાઇ હોવા છતાં પોતાના ઘરમાંથી બહાર નીકળી અન્ય લોકોના સંપર્કમાં આવે તો આ વ્યક્તિ કોરોના વાયરસનું સંક્રમણ કરે જે જીવલેણ સાબિત થઇ શકે છે તેવું જાણતો હોવા છતાં બેદરકારી રાખી ઘરની બહાર નીકળી સરકારશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાથી તેમની વિરૂધ્ધ એ.એસ.આઇ.શ્રી અબુ દુલરહેમાન શેરમહંમદે ઇ.પી.કો. કલમ ૨૭૦, ૨૭૧, ૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ હેઠળની કલમ-૫૧(બી) મુજબની ફરીયાદ નોંધાવી છે તેમ બનાસકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય કચેરી દ્વારા જણાવાયું છે.