સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી કોરોના વાયરસથી સુરક્ષીત રહીએ -કલેકટર સંદીપ સાગલે

બનાસકાંઠા
બનાસકાંઠા

બજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરે પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત લીધી
 
પાલનપુર
         
નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે સરકારની સુચના મુજબ કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાતો હોવાથી બજારમાં ભીડભાડ ન થાય તે માટે કલેકટર સંદીપ સાગલેએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોરની મુલાકાત લીધી હતી. કલેકટરએ પાલનપુર સીમલા ગેટથી દિલ્હી ગેટ સુધી પગપાળા ચાલી શાકભાજીની લારીવાળા, મેડીકલ સ્ટોર્સ અને છુટક કરીયાણાની દુકાનવાળાઓ સાથે વાતચીત કરી તેમને માલ-સામાન લાવવામાં અને ઘરેથી કામના સ્થળે આવવા-જવામાં કોઇ મુશ્કેલી હોય તો તે જણાવવા કહ્યું હતું. તેમણે મેડીકલ સ્ટોર્સમાં પુરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા જે પણ લોકો મેડીકલમાં દવા લેવા આવે ત્યારે એકબીજા વચ્ચે સુરક્ષીત અંતર જળવાય તે માટે ત્રણ ફુટના અંતરે સર્કલ દોરી તે સર્કલમાં જ લોકો ઉભા રહે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવા તેમણે જણાવ્યું હતું. 
         
કલેકટરએ શાકભાજી, મેડીકલ અને કરીયાણા સ્ટોર્સના વિક્રેતાઓને જે તે મામલતદાર કચેરીમાંથી પાસ મેળવી લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં સ્થિતિ સામાન્ય રહે, લોકો બિન જરૂરી બહાર ન નીકળે, શાકમાર્કેટ, મેડીકલ સ્ટોર્સ આગળ ભીડભાડ ન થાય તે જરૂરી છે. વેપારીઓને ડીલર પાસેથી અને ડીલરોને કંપનીમાંથી માલ મેળવવા તકલીફ ન પડે તેની વ્યવસ્થા કરાશે. તેમણે કહ્યું કે, લોકોને ઘેરબેઠાં હોમ ડીલીવરી દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા વેપારીઓને સુચના આપવામાં આવી છે. કલેકટરએ કહ્યું કે, અત્યારના સંજોગોમાં લોકો ઘરમાં જ રહે તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી કોરોના વાયરસથી સુરક્ષીત રહીએ.  
         
કલેકટરની મુલાકાત દરમ્યાન પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, નગરપાલિકાના કર્મચારીઓ સહિત સબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.   

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.