
સાંતલપુરઃ ના રીકવરી-ના ફરીયાદ, સરકારી નાણાં અધ્ધરતાલ
સાંતલપુર તાલુકાના ત્રણ ગામોના વિકાસલક્ષી નાણાંની ગેરરીતિ મામલે તબક્કાવાર વળાંકો આવી રહ્યા છે. એકમાત્ર ગઢા ગ્રામ પંચાયતના સરપંચે રકમ પરત આપ્યા બાદ મામલો સૌથી વધુ વિવાદાસ્પદ બની ગયો છે. ના રીકવરી મળી કે કસુરવારો સામે ફરીયાદ પણ ના થઇ હોઇ બે ગ્રામ પંચાયતની સ્થિતિ ચિંતાજનક બની છે. તાલુકા અને જીલ્લા પંચાયતના ભારેખમ પ્રયાસો વચ્ચે સરકારી નાણાં અનેક દિવસોથી અધ્ધરતાલ બની ગયા છે.પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક દિવસોથી મિડીયામાં સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે. ત્રણેય ગ્રામ પંચાયતને મળેલ નાણાંપંચની રકમ બારોબાર ઉઠાવી લેવાઇ હતી. સરપંચ અને તલાટીની સહિથી જ નાણાં બેંકમાંથી ઉપાડવામાં આવ્યા છતાં પરિણામ ઝીરો છે. જેમાં તપાસ સહિતની ગતિવિધિ વચ્ચે ગઢા ગ્રામ પંચાયતના સરપંચે જવાબદારી સ્વિકારી રકમ પરત કરી હતી. આ પછી બાકીના સરપંચોએ તલાટીને કસુરવાર ઠેરવી પોલીસ ફરીયાદ દાખલ કરાવી દીધી હતી.સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાલુકા અને જીલ્લા પંચાયતને છેલ્લા કેટલાય દિવસોથી બે ગ્રામ પંચાયતની રકમ પરત મળી નથી. આવી સ્થિતિ હોવા છતાં કસુરવારો સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી. જોકે તાલુકા પંચાયત તત્કાલિન તલાટી પાસેથી રેકર્ડ મેળવણી કરવા મથામણમાં હોઇ મામલો વિલંબિત બન્યો છે. સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે, ત્રણેય ગ્રામ પંચાયતની રકમનું બારોબારીયું થયા બાદ દિવસોના દિવસો વિતી જવા છતાં કસુરવારો નિશ્ચિંત હોઇ સત્તાધિશોનું વલણ સવાલો વચ્ચે બન્યુ છે.