
સરીપડામાં યુવકના લગ્નના વરઘોડા પર પથ્થરમારો થતાં ચકચાર
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના સરીપડા ગામે રવિવારે અનુસૂચિત જાતિના યુવકના લગ્ન પ્રસંગે ગામમાં વરઘોડો યોજાયો હતો. ત્યારે ગામના ઠાકોર સમાજના શખ્સોએ વરઘોડો રોકાવી પથ્થરમારો કર્યો હોવાની રાવ ઉઠી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે બે મહિલાઓ સહિત કુલ અગિયાર શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના સરીપડા ગામમાં રહેતા અને ભારતીય સૈન્યમાં ફરજ બજાવતાં આકાશભાઇ દિનેશભાઇ પરમારના લગ્ન પ્રસંગે તેમની જાણ સુંઢા ગામે જવા રવાના થઇ હતી. ત્યારે ગામમાં આકાશને ઘોડા ઉપર બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે, તે સમયે ગામના ઠાકોર સમાજના શખ્સોએ તેમને જાતિ અપમાનિત કરી વરઘોડો કાઢવો હોય તો ઠાકોર- પટેલના પેટે અવતાર લેવો પડશે. તેમ કહી પથ્થરમારો કર્યો હતો.
જેમાં સામઢી મોટાવાસના હિરાભાઇ ગમાનભાઇ શેખલીયા, આકેડી ગામના કુસુમબેન કાંતિભાઇ પરમાર સહિત અન્ય જાનૈયાઓને વધતી ઓછી ઇજાઓ થવા પામી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતાં પોલીસ દોડી આવી હતી. અને બંદોબસ્ત વચ્ચે જાન નીકાળવામાં આવી હતી. આ ઘટના અંગે ખેમાભાઇ મઘાભાઇ કોઇટીયાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે મહિલાઓ સહિત અગિયાર શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.