
વાવના ઢીમા નાળોદર રાછેણાના ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી
રખેવાળ ન્યુઝ ઢીમા
સરહદી વાવ તાલુકાના વિસ્તારમાં ખેડૂતોને કેનાલો માથાના દુઃખાવા સમાન બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. ક્યાંક નર્મદાનું પાણી નથી મળતું ક્યાંક તુટ ફૂટ થઈ રહી છે તો ક્યાંક છલકાઈ રહી છે. કેનાલ અને બીજી તરફ અધિકારીઓની બેદરકારીના લીધે ખેડૂતોને અવાર નવાર મુશ્કેલીઓ આવી રહી છે. આવી કડકડતી શિયાળાની ઠંડીમાં પણ કાગ ડોળે પાણીની રાહ જોઇને આખી રાત દિવસ ખેડૂતો હેરાન થાય છે. પરંતુ કેનાલમાં પાણી પૂરતું મળતું નથી.
રવી સીજન પુરી થવાના બે મહિના થયા છતાં હજુ વાવના નાળોદર, લોદ્રાણી અને રાછેણા ગામના ખેડૂતોને કેનાલનું પાણી પૂરતું મળતું નથી. જીરાનો પાક ઉગાડ્યો તો ખરી પણ હવે પાછું અમુક ગામોમાં પાણી પહોંચતું નથી. પાક નાશ થવાની આરે છે.જ્યારે વાવ ના નાળોદર ગામની વાત કરીએ તો આજે કડકડતી શિયાળાની મોસમમાં પણ ખેડૂતો પોતાના ખેતરનું અને ઘરનું કામ છોડી જાતે કેનાલોની સફાઈ કરવા મજબૂર થયા હતા. એક બાજુ તીડના ત્રાસથી કંટાળેલા ખેડૂતો અને બીજી બાજુ નર્મદાના અધિકારી દ્વારા હજુ સુધી ખેડૂતોની વેદના સમજતા નથી. સરકાર દ્વારા કેનાલની સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે તો આ અધિકારીઓ ગ્રાન્ટ વાપરે છે ક્યાં .આ અધિકારીઓની અણઆવડતને લીધે ધરતીપુત્ર ખેડૂત હેરાન પરેશાન થઈ ગયા છે. જેથી સરકાર દ્વારા આવા અધિકારીઓ ને આવડત શીખવે એજ ખેડૂતના હિતમાં છે.