
વાવના ચોથાર નેસડાના ખેડૂતોએ ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી નાખ્યું
રખેવાળ ન્યુઝ વાવ
આંતર રાષ્ટ્રીય સરહદી સીમા ધરાવતા છેવાડાના વાવ તાલુકાના ચોથારનેસડાના ખેડૂતો નર્મદા કેનાલનું પાણી મેળવવા માટે છેલ્લા પાંચ વર્ષથી બૂમ-બરાડા કરી રહ્યાં છે. છાશવારે આવેદનપત્રો ભૂખ હડતાલ ઉપવાસ આંદોલન જેવા કાર્યક્રમો યોજવા છતાં તેમની પીંપૂડી કોઈ સાંભળતું નથી આ વર્ષે એક તરફ ઈયળોનો ઉપદ્રવ તો બીજી તરફ કમોસમી વરસાદ તો વળી ત્રીજી તરફ તીડોના તુફાને હાહાકાર મચાવી આ વિસ્તારના ખેડૂતોને પાયમાલ કરી દીધા હતાં તેમ છતાં હિંમત હાર્યાવીના ચોથાર નેસડા ગામના ખેડૂતો રવિ પાક તરફ વળી જીરાના પાકનું વિશાળ સંખ્યામાં બહોળી હેક્ટર જમીનમાં વાવેતર કર્યું હતું. ઉભેલા રવિ પાકને છેલ્લું પાણી મેળવવા માટે ચોથારનેસડા ગ્રામજનોએ તમામ પ્રયત્નો કરવા છતાં નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓએ ચોથાર નેસડાના ખેડૂતોને પાણી ના ફાળવ્યું અને અંતે રવિ પાક મૂરઝાઈ ગયા બાદ પાણી ફાળવવું એટલે કે “ઘોડો છુટ્યા પછી તબેલે તાળુ મારવાનો શું અર્થ” જેથી કરીને ચોથારનેસડા ખેડૂતોને હવે ઉભેલા જીરાનો પાક મૂરઝાઈ જતાં તેના ઉપર ટ્રેક્ટર ફેરવાની નોબત આવી છે. આમ ફરી પાછા ચોથારનેસડાના ખેડૂતોને પડતા ઉપર પાટું વાગી છે. ત્યારે આ બાબતની રાજ્ય સરકાર ગંભીર નોંધ લઈ પીડીતો માટે વિશેષ સહાય પેકેજ આપે તેજ ખેડૂતોના હીતમાં છે.