લોકોને ઘેરબેઠાં જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે કલેકટરશ્રીના હસ્તે મોબાઇલ એપ લોન્ચ કરાઇ
Stay Home-B.K. મોબાઇલ એપ પર ઓર્ડર બુક કરાવી વસ્તુઓ અને મેડીકલ સેવા હવે ઘેરબેઠાં મેળવી શકાશે
પાલનપુર
નોવોલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના લોકડાઉનના સમયમાં લોકોને ઘેરબેઠાં જીવન જરૂરીયાતની વસ્તુઓ અને સેવાઓ સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા Stay Home-B.K મોબાઇલ એપ બનાવવામાં આવી છે જેનું આજે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ મોબાઇલ એપ પર ઓર્ડર બુક કરાવી લોકડાઉનના સમય દરમ્યાન લોકો કરીયાણું, મેડીકલ, ઇલેક્ટ્રોનિક, પ્લમ્બીંગ અને વૃધ્ધોને લગતી સેવાઓ મેળવી શકશે. સ્ટેય હોમ બી.કે. એપમાં ઓર્ડર બુક કરાવ્યા બાદ આ તમામ વસ્તુઓ અને સેવાઓની હોમ ડીલીવરી કરવામાં આવશે.
આ પ્રસંગે અગ્રણીશ્રી હિતેષભાઇ ચૌધરી, ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજકશ્રી ગૌરાંગ પાધ્યા, વિવેકાનંદ મંડળના સભ્યશ્રી વિવેકભાઇ રાજગોર અને શ્રી કિશનભાઇ મેવાડા ઉપસ્થિત રહ્યા હતાં.