લોકડાઉન : બનાસકાંઠાની પાંજરાપોળ ગૌશાળામાં પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો
ઘાસચારના ટ્રાન્સપોર્ટેશન સહિત ખર્ચ બમણો થઈ ગયા, લોકડાઉનમાં સંસ્થાને મળનારા દાનની આવક પણ બંધ થઈ ગઈ
રખેવાળ ન્યુઝ ડીસા
કોરોનાની દહેશત દેશ દુનિયાભરમાં છે જેને લઇ લોકડાઉન કરવામાં આવતા ફક્ત માનવ જીવનશૈલી પર જ અસર થઇ છે તેવું નથી પણ તેની સાથે સાથે અબોલ જીવો માટે પણ એક પડકાર છે. જ્યારે પાંજરાપોળ ગૌશાળા સંચાલકો પણ મુસીબતમાં મુકાયા છે. કારણ કે લોકડાઉન થતાં ઘાસચારના ટ્રાન્સપોર્ટેશન સહિત ખર્ચ બમણો થઈ ગયા છે તો બીજીબાજુ લોકડાઉનમાં સંસ્થાને મળનારા દાનની આવક પણ બંધ થઈ ગઈ છે.
ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ગૌશાળા અને પાંજરાપોળો બનાસકાંઠા જીલ્લામાં આવેલ છે અહીં ૧૫૩ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ છે અને તેમાં ૭૫ હજાર કરતા વધુ પશુધન આશ્રિત છે. જેમાં શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ મા ૯ હજાર પશુઓ આશ્રિત છે પાંજરાપોળો દાનની આવક પર જ નિર્ભર છે જેમનો રોજનો ખર્ચ લાખ્ખોમાં છે.
વર્તમાન સમસાયમાં કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉનમાં આ સંસ્થાઓને મળતું દાન બંધ થઈ ગયું છે તો બીજી તરફ ઘાસચારા ના ટ્રાન્સપોર્ટેશન માટેના ભાડાઓમાં ૩ ઘણો વધારો થયો જેના કારણે આર્થિક બોજો વધતો જાય છે અને હાલની સ્થિતિમાં દાતાશ્રીઓનું ધ્યાન માનવસેવા તરફ છે અને સરકારે પણ માનવ સેવામાં મોટી સહાય કરી છે જ્યારે આ અબોલજીવોના જીવન શંકટ મા છે તેમના માટે કોણ વિચાર કરશે સરકારે પ્રતિ પશુ દૈનિક ૨૫ રૂ. સહાય જાહેર કરી છે તે રકમ તો ફક્ત ટ્રાન્સપોર્ટ મા જ પુરી થઈ જાય છે. જેના કારણે પાંજરાપોળો નું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે તો બીજી તરફ ઘાસના વેપારીઓ પહેલા બાકી પણ માલ આપતા હતા તે હવે એડવાન્સમાં પૅમેન્ટ માંગે છે જ્યારે આટલા તોતિંગ ખર્ચને કેમ પહોંચી વળવું તેને લઈને સંચાલકો મુંઝવણમાં મુકાયા છે ત્યારે સંચાલકોએ દાતાઓ અને સરકાર પાસે આ પશુઓના કલ્યાણ માટે આર્થિક સહાયની ટહેલ નાખી છે.