
લાખણીમાં ઠાકોર સમાજની દીકરી સેનામાં જોડાઇ, ગામમાં આનંદ
ભારતીય સેના દ્રારા મહિલાઓની ભરતીમાં ઉત્તર ગુજરાતમાંથી માત્ર એક જ મહિલા માયાબેનનું સિલેક્શન થતાં સમાજમાં સહિત પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૦ રોજ મહિલા આર્મી ભરતીમાં વિવિધ રાજ્યોની મહિલાઓની ભરતીમાં ગુજરાત રાજ્યમાં ફાઇનલ ૫૦ બહેનોમાંથી ૭ બહેનોનું સિલેક્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉત્તર ગુજરાતમાં ફક્ત એક જ દિકરી ઠાકોર માયાબેન ભેમાજીની પસંદગી કરવામાં આવી છે.
બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના આગથળા ગામની મહિલાનું આર્મી ભરતીમાં સિલેક્શન થઇ જતાં સમાજ સહિત પંથકનું ગૌરવ વધાર્યુ છે. ગત ૨૬ જાન્યુઆરીના રોજ આ દિકરી માયાબેનનું આગથળા ગામે ગુરૂકૃપા હાઇસ્કુલમાં સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આગથળાની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સરપંચ, ડેલીકેટ અને જીલ્લા પંચાયત મેમ્બર સવજીભાઇ સહિતના દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે ગામના આર્મી જવાન ગળસોર શૈલેષભાઇ, સુરેશ દેસાઇ, શાળા આચાર્ય શેખભાઇ સહિતનાએ આશીવાર્દ સાથે શુભકામનાઓ પાઠવી હતી. ત્યાર બાદ ગ્રામજનો દ્રારા રબારીવાસ, ઠાકોરવારસ સહિતના વિસ્તારોમાં રોડ-શો ત્રિરંગા સાથે રેલી યોજી હતી.