માલણ ગામના વેપારીનું અપહરણ કરી લૂંટ
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના માલણ ગામના ઘોડાના વેપારીનું ચાર શખ્સોએ કુંભાસણ ગામ નજીકથી અપહરણ કરી ૪૫૦૦૦ રોકડા, રાડો ઘડિયાળની લૂંટ કરી રૂપિયા પાંચ લાખની માંગણી કરી છોડી મુક્યા હતા. આ અંગે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાર શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર તાલુકાના માલણ ગામના લાલાભાઈ ઘોડાના વેપાર સાથે સંકળાયેલા છે. જેઓ પાલનપુર તાલુકાના કુંભાસણ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચાર શખ્સોએ વાહનમાં તેમનું અપહરણ કર્યું હતું. અને રૂપિયા ૪૫૦૦૦ રોકડા, રાડો ઘડિયાળની લૂંટ કરી રૂપિયા પાંચ લાખની માંગણી કરી છોડી મુક્યા હતા. આ અંગે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી સોહિલખાન ઠાકરખાન ઘાસુરા, અહેમદખાન અનવરખાન ચૌહાણ, ઇમરાનખાન જમસેદખાન ચૌહાણ અને જાવેદખાન જાફરખાન ઘાસુરાને ઝડપી લીધા હતા. આ અંગે ગઢ પોલીસ મથકે ગૂનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.