
ભાભર માર્કેટ યાર્ડમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત બાઈક ચાલકનું મોત
રખેવાળ ન્યુઝ ભાભર
ભાભર માર્કેટ યાર્ડની ઓફિસ સામે ગઈકાલે બપોરે એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું મોત નિપજતા અરેરાટી મચી છે.ભાભર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાભર માર્કેટ યાર્ડમાંથી બાઇક લઇને પસાર થતાં તેરવાડા ગામના ઠાકોર શ્રવણજી મેવાજી ઉંમર વર્ષ ૩૨ નામનો યુવાનના બાઈકને અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક શ્રવણજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ હાલતમાં ભાભર સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડયો હતો. પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કરતા મૃતકના વાલીવારસોમાં અરેરાટી વ્યાપી છે. ભાભર પોલીસ મથક ના ટાઉન જમાદાર પ્રહલાદભાઈ પટેલે પંચનામું કરી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.