ભાભરમાં ખેતરમાંથી ૨.૯૦ લાખના ગાંજાના છોડ સાથે ઇસમ ઝબ્બે.
ભાભર પાસેથી એસઓજીએ બાતમી આધારે ગાંજાના છોડનો ૨૯ કીલો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. ભાભર તાલુકાના ગામે પોતાના ખેતરમાં આરોપી ઇસમ ગેરકાયદેસર રીતે એરંડાની આડમાં ગાંજાની ખેતી કરતો હતો. આ દરમ્યાન બાતમી આધારે પોલીસે રેડ કરી ગાંજાના છોડ નંગ ૮૪૮ સાથે કુલ ૨૯ કીલો જથ્થો કિંમત રૂ.૨,૯૦,૦૦૦નો ઝડપી પાડ્યો છે. આ સાથે એક વ્યક્તિની અટકાયત કરી NDPS એકટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામેથી ગાંજાના છોડ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. ભાભર તાલુકાના મીઠા ગામે આરોપી ખુમાજી રામજીજી ઠાકોર(રાઠોડ) પોતાના ખેતરમાં એરંડા તથા ઘઉંના આડમાં ગાંજાની ખેતી કરતો હતો. જેની બાતમી એસઓજીને મળતાં તાત્કાલિક અસરથી રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગાંજાના છોડ નંગ ૮૪૮, રૂ.૨,૯૦,૦૦૦નો તથા મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૨,૯૦,૫૦૦ના મુદ્દામાલ કબજે કર્યો હતો.
મીઠા ગામની સીમમાં આરોપી ઇસમ ખુમાજી ઠાકોર છેલ્લા કેટલાક સમયથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતો હતો. જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળતાં સ્ટાફ સાથે રેડ કરી હતી. જેમાં આરોપી ઇસમ રંગેહાથે ગાંજાના ૮૪૮ છોડ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ NDPS એકટ મુજબ ભાભર પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી