બનાસનાં બાળકોની થાળીમાંથી તુવેર દાળ ગાયબ ! લ્યો બોલો બે મહિનાથી તુવેર દાળનો કોન્ટ્રાકટ જ નથી અપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

નાસ્તો બનાવવા માટે મેનુ મુજબનું રાશન તો આપો સાહેબ ! પૂરતું રાશન ક્યારેય આવતું જ નથી તો પછી મેનુ સચવાય કઈ રીતે ? ક્યારેક મગ નથી આવતા, ક્યારેક ચણા, ઘઉં, ચોખા એકદમ સડેલા આવે છે, તો ક્યારેક દાળ જ નથી આવતી

શું આ રીતે કુપોષણ દૂર થશે ?

મોટાભાગની શાળાઓમાં માત્ર ભોજન જ અપાય છે

તેમ છતાં જિલ્લા પુરવઠા વિભાગ બધું જ બરાબર હોવાની શેખીઓ મારે છે

ભૌગોલિક દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં ત્રીજા નમ્બરનો સૌથી મોટો જિલ્લો છે.  જિલ્લામાં એકતરફ વાવ, સુઈગામ જેવા સરહદી પંથકો તો બીજી તરફ દાંતા, અમીરગઢ જેવા આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓના લીધે જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા ખુબ જ વધુ છે. જેને લીધે જિલ્લાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ પણ ખુબ જ વધુ છે. તેથી આવા ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકોને શાળામાં જ ભોજન તેમજ નાસ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા પીએમ પોષણ યોજના ચલાવાય છે. પરંતુ જિલ્લામાં આવેલી મોટાભાગની શાળાઓમાં ક્યારેક અનાજ એકદમ ખરાબ ગુણવતાનું આવે છે, તો ક્યારેક ચણા નથી આવતા તો ક્યારેક તુવેર દાળ નથી આવતી, આમ પૂરતું અનાજ જ શાળાઓમાં નથી પહોંચતું. જેને લીધે મોટાભાગની શાળાઓમાં અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ મેનુ મુજબ જ ભોજન નહીં બનતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં આવેલી 2300 થી વધુ શાળાઓમાંથી મોટાભાગની શાળાઓમાં બાળકોને અપાતું મધ્યાહ્નન ભોજન યોગ્ય રીતે બનતું નહિ હોવાની માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળવા પામી છે. સરકારી શાળાઓનાં બાળકોને એક ટાઈમ નાસ્તો તેમજ એક ટાઈમ ભોજન આપવાનું હોય છે. તેના માટે જરૂરિયાત મુજબનાં જુદા જુદા અનાજની ફાળવણી પુરવઠા તંત્ર દ્વારા કરાય છે. પરંતુ પુરવઠા વિભાગે જેટલું અનાજ મધ્યાહ્નન ભોજન કેન્દ્રો સુધી પહોંચાડવાનું હોય તેમાંથી પણ અમુક અમુક અનાજ કેન્દ્રો સુધી અપાતું નથી. થોડા સમય પહેલાં ચણા નહોતા મળતા તો હાલમાં છેલ્લા બે મહિનાથી જિલ્લાની એકપણ શાળામાં તુવેર દાળ ન મળી હોવાની માહિતી પુરવઠા વિભાગના આધારભુત સૂત્રો પાસેથી જ પ્રાપ્ત થવા પામી છે.  હવે જો પૂરતું અનાજ નાં મળતું હોય ત્યારે મેનુ મુજબ ભોજન બની જ કઈ રીતે શકે, તે પણ સમજી શકાય તેમ છે. જેને લીધે હાલમાં જિલ્લાની સરકારી શાળાઓમાં બાળકોના ભોજનમાંથી દાળ ગાયબ થઇ ગઈ છે. એટલુ જ નહીં અનેક શાળાઓમાં હજુ પણ નિયમ મુજબ એક ટાઈમ નાસ્તો અને એક ટાઈમ ભોજન અપાતું નથી. અનેક મોટી શાળાઓમાં માત્ર એક ટાઈમ ભોજનની સાથે જ થોડો ઘણો નાસ્તો આપી મસમોટી ગેરરીતિ આચરાય છે. આ બધી જ હકીકત જાગૃત નાગરિકો તેમજ મીડિયા દ્વારા અવારનવાર પુરવઠા વિભાગને ધ્યાને મુકાય છે તેમ છતાં આશ્ચર્યની વાત તો એ છે કે જિલ્લા પુરવઠા વિભાગની તપાસમાં આવી ગેરરીતિઓ પકડાતી જ નથી. ઉલ્ટાનું  સબ સલામત હોવાની ગુલબાંગો પુરવઠા વિભાગ પોકારતું રહે છે.

શાળાઓમાં સરકારે નક્કી કરેલ ભોજનનો મેનુ

દિવસ :  પ્રથમ ભોજન  નાસ્તો

સોમવાર – વેજીટેબલ ખીચડી અથવા ખારી ભાત શાકભાજી સહીત – સુખડી

મંગળવાર – ફાડા લાપસી અને શાક અથવા મુઠીયા અને શાક – કઠોળ ચાટ (કાળા મગ/લીલા મગ/ચણા કે ઉપલબ્ધ કઠોળ)

બુધવાર – વેજીટેબલ પુલાવ – મિક્ષ દાળ/ઉપલબ્ધ કઠોળ/ ઉસળ

ગુરુવાર – દાળ ઢોકળી – કઠોળ ચાટ /કાળા મગ / લીલા મગ, ચણા કે ઉપલબ્ધ કઠોળ

શુક્રવાર – દાળ ભાત  –  મુઠીયા

શનિવાર – વેજીટેબલ પુલાવ – કઠોળ ચાટ ( કાળા મગ/લીલા મગ/ચણા કે ઉપલબ્ધ કઠોળ)

(નોંધ : જ્યાં જ્યાં કઠોળનો ઉપયોગ દર્શાવેલ છે ત્યાં અનુકૂળતા હોય ત્યાં ફણગાવેલા ઉપલબ્ધ કઠોળ આપી શકાશે)

લ્યો બોલો : હવે રજુઆત કરનાર શિક્ષકો તેમજ સંચાલકોને પણ ધમકાવવા લાગ્યા છે બાબુઓ !

મધ્યાહ્નન ભોજન મામલે ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે જેવી: પુરવઠા વિભાગની કુનીતિ ઉજાગર થવા પામી છે. આ અંગે એક શાળાના આચાર્યએ નામ નહિ જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, તુવેર દાળ બે મહિનાથી નથી આવી, મગ પણ આવતા નથી, તો પછી મેનુ મુજબ કાળા મગ, લીલા મગ, ઉસળ આ બધું બનાવવું જ કેવી રીતે ?  અધિકારીઓને વારંવાર રજુઆત કરીએ તો બીજા કોઈનાં કોઈ બહાને હેરાન કરવાનું શરૂ કરે છે. જેને લીધે શિક્ષકો પણ કશું બોલી શકતા નથી.

તંત્રની લાલિયાવાડીના પ્રતાપે જિલ્લામાં એક જ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા દસ ગણી વધી ગઈ: બનાસકાંઠા જિલ્લામાં કુપોષણ એ ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે, જિલ્લામાં મોટી સંખ્યામાં ગ્રામીણ પ્રજા વસવાટ કરે છે. જેમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારોની સંખ્યા ખુબ જ વધુ છે. આ ગરીબ પરિવારોના બાળકો માટે મધ્યાહન ભોજન એક આશીર્વાદરૂપ છે. પરંતુ જિલ્લાની શાળાઓમાં મધ્યહન ભોજનમાં ચાલતી લાલિયાવાડીનાં લીધે માસુમ ગરીબ બાળકોને પૂરતું પોષણક્ષમ ભોજન મળતું નથી અને તેઓ વધુને વધુ કુપોષણ તરફ ધકેલાવા લાગ્યા છે. તાજેતરમાં જ વિધાનસભામાં કુપોષણ અંગેનાં પ્રશ્નનો જવાબ આપતાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જણાવ્યું હતુંકે, બનાસકાંઠા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા એક જ વર્ષમાં 4838 થી વધીને 48,866 સુધી પહોંચી ગઈ છે. ત્યારે જો જિલ્લામાં મધ્યાહ્નન ભોજન અમલીકરણમાં નક્કર સુધારા નહીં આવે તો  જિલ્લામાં કુપોષણનો આંક આનાથી પણ ભયજનક લેવલે પહોંચી શકે છે. તેવું નિષ્ણાંતોનું માનવું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.