બનાસકાંઠા લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉન શરૂ પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયું : 30 ફોર્મનું વિતરણ

બનાસકાંઠા
બનાસકાંઠા

પ્રથમ દિવસે 30 ફોર્મનું વિતરણ થતા ઉમેદવારોનો રાફડો ફાટે તેવી વકી

ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષના 13 ઉમેદવારો માટે ફોર્મ લેવાયા: સરહદી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આજથી ચૂંટણીનો વિધિવત પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. જોકે, પ્રથમ દિવસે જ 30 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ થતા ઉમેદવારોનો રાફડો ફાટે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.

આજથી ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ દિવસે કલેકટર કચેરી ખાતે ચૂંટણી શાખામાંથી 29 ફોર્મનું વિતરણ અને પ્રાંત કચેરી ખાતે 1 ફોર્મનું વિતરણ થયું છે. જેમાં ભાજપ માટે 10 ફોર્મ, કોંગ્રેસ માટે 8 ફોર્મ, બસપા માટે 1 અને અપક્ષ ઉમેદવારો માટે 11 ફોર્મ એમ મળી 30 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

જોકે આજે પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી. આ અંગે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું કે,  12 એપ્રિલથી જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેના ઉમેદવારી પત્રોનું વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 30 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જોકે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી.

આચારસંહિતા ભંગની 74 અરજીઓનો નિકાલ: બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી એવમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે લોકસભા ચૂંટણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમ, cVIGIL DCC તથા જિલ્લા ફરિયાદ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચન કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જિલ્લાકક્ષાએ મળેલ 74 અરજી ઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં c-vigil એપ પર 70 અરજીઓ, હેલ્પલાઇન નંબર 1950 પર એક અને જિલ્લા હેલ્પલાઈન નંબર 02742- 265165 પર મળેલ 04 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.તેમજ ચૂંટણીલક્ષી વિવિધ વિગતો મુદ્દે માગેલી માહિતીથી અરજદારોને વાકેફ કરવામાં આવે છે.

ઉમેદવારોનો રાફડો ફાટે તેવી વકી: બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈને પ્રથમ દિવસે જ 30 જેટલા ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. ત્યારે ઉમેદવારી ફોર્મ લેવા માટેનો ધસારો જોતા બનાસકાંઠા બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. જોકે, મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ- ભાજપને બાદ કરતાં અપક્ષો મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જોકે, હરીફ પક્ષો દ્વારા જ વોટ તોડવા અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વ્યૂહાત્મક ગોઠવણ થાય તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.