
બનાસકાંઠા : દિલ્હી ગયેલા જિલ્લાના ૧૭ લોકો હોમ ક્વોરન્ટીન, ૩૩ નામો પૈકી કેટલાક હિન્દુ સામેલ
બનાસકાંઠા
બનાસકાંઠા. ગૃહ મંત્રાલય દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરને દિલ્હીના પ્રવાસીઓની મોબાઈલ નંબર અને સરનામા સાથેની યાદી આપવામાં આવી હતી. આ યાદીમાં પ્રથમ તબક્કામાં ૩૩ નામો હતા. જેમાં ખરાઇ કરતા છેલ્લે બનાસકાંઠા ૧૭ નામો ફાઈનલ થયા હતા. જોકે નામો પૈકી કેટલાક હિન્દુ નામ હોવાથી પોલીસ અને આરોગ્ય વિભાગે સયુંકત રીતે તપાસ હાથ ધરી તમામને હોમ ક્વોરન્ટીન કરાયા છે. જેમાં વડગામ તાલુકાના બાદરગઢના ૫ યુવાનો દિલ્હી મુસાફરી કરીને પરત આવ્યા હતા. આ યુવાનો દિલ્હી નમાઝ માટે ગયેલા લોકોના સંપર્કમાં આવ્યાની શક્યતાના પગલે જગાણા ખાતે બનાવેલા ક્વોરન્ટીનમાં મોકલી આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોરોનાનો કહેર લોકલ લેવલે ન પ્રસરે તે માટે દિલ્હીના કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ ગામડે વતન ફરેલા યુવાનોને શોધવા કલેક્ટરે તપાસના આદેશ આપતા કમિટી બનાવાઈ હતી.
જેમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે પોલીસના અધિકારીઓ પણ સામેલ હતા. જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે "જો આ લોકોમાંથી કોઇ કોરોના વાઇરસ લઇને આવ્યું હશે તો તેના લક્ષણો તરત દેખાશે અને સેમ્પલ લેવાની કામગીરી કરાશે. આ તમામ લોકોને શોધી કાઢવા માટે ટીમ બનાવી શોધખોળ આદરવામાં આવી છે. તેમની સાથે અન્ય કોઈ હતા કે કેમ તેની પણ તપાસ કરાશે.’ પ્રાથમિક યાદી મુજબ પાલનપુરના ૪, વડગામના ૮, જ્યારે ડીસા, દાંતા, દિયોદર, લાખણી અને સૂઇગામમાં એક-એક મળી ૧૭ જણાની રૂબરૂ તપાસ કરવામાં આવી તેમને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જોકે આ યાદીમાં કેટલાક હિન્દુ પણ છે. જેઓ મોબાઈલ નેટવર્કમાં આવ્યા હોવાથી તેમને પણ ક્વોરન્ટીન કરવાની કામગીરી કરાઈ છે.
પાલનપુર શહેરના કમ્પાઉન્ડ વિસ્તારમાં વૃદ્ધ મહિલા બીમાર પડતા તેમને તાત્કાલિક પાલનપુરની સિવિલમાં દાખલ કરાયા હતા. તેમને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તેમનું સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. જ્યાં તેમનું સેમ્પલ પરીક્ષણમાં નેગેટીવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે. જ્યારે દાંતીવાડાના એક પ્રવાસીની તબિયત લથડતા અને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાયા હતા. તેની ટ્રાવેલ હિસ્ટ્રીમાં તે મુંબઇના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોવાથી તેનું સેમ્પલ લેવામાં આવ્યું હોવાનું આરોગ્યના સૂત્રોએ જણાવ્યું હતું.