બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેની APL-1 રાશનકાર્ડ ધારકોને અપીલ
EQzGjEwPJ2U
સુખીસંપન્ન લોકો જરૂરિયાતમંદ લોકો માટે સ્વેચ્છાએ પોતાનો હક્ક જતો કરી સેવાના ભાગીદાર બને –કલેકટરશ્રી સંદીપ સાગલે
રખેવાળ, પાલનપુર
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું છે કે, આવતીકાલ તા.૧૩ એપ્રિલ-૨૦૨૦થી બનાસકાંઠા જિલ્લામાં નોન એફ.એસ.એ. એપીએલ-૧ રાશન કાર્ડધારકોને વિનામૂલ્યે રાશન કીટનું વિતરણ થવાનું છે. બનાસકાંઠા જિલ્લામાં નોન એફ.એસ.એ. એપીએલ-૧ ના ૨,૫૩,૦૦૦થી વધારે રેશનકાર્ડધારકો છે અને તેમાં આશરે ૧૧ લાખની વસ્તીનો સમાવેશ થાય છે. એક રેશનકાર્ડ દીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા. ચોખા, ૧ કિ.ગ્રા. ચણાદાળ અથવા ચણા અને ૧ કિ.ગ્રા. મીઠાનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવનાર છે. રાજય સરકારની સુચના પ્રમાણે શિડ્યુલ પ્રમાણે રાશન વિતરણ કરાશે. તેમણે કહ્યું કે, ૧૩ મી તારીખે જેમના રેશન કાર્ડનો છેલ્લો આંક ૧ અને ૨ છે તેમને રાશન વિતરણ કરાશે. તા. ૧૪ મીએ ૩ અને ૪ અંકવાળા તા. ૧૫ મીએ ૫ અને ૬ તા. ૧૬ મીએ ૭ અને ૮ તા. ૧૭ મીએ ૯ અને ૦ છેલ્લા આંકવાળા રેશનકાર્ડધારકોને રાશન વિતરણ કરવામાં આવશે. આ વચ્ચે કોઇ રાશનથી વંચિત રહી ગયું હશે તો તેમને તા. ૧૮ એપ્રિલના રોજ રાશન વિતરણ કરાશે. શિડ્યુલ મુજબ જ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી રાશન લેવા જવા કલેકટરશ્રીએ જણાવ્યું છે.
બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાંગલએ અપીલ કરતા જણાવ્યું છે કે જેમને જરૂરીયાત નથી તેવા પરિવારો અથવા સુખી સંપન્ન પરિવારો સ્વેચ્છાએ જરૂરીયાતમંદ લોકોની તરફેણમાં પોતાનો હક્ક જતો કરી સેવાના ભાગીદાર બને.