
બનાસકાંઠા જિલ્લામાં જાહેરમાં થૂંકનાર સામે કડક કાર્યવાહી
રખેવાળ ન્યુઝ પાલનપુર: કોરોના વાઇરસનો ચેપ સામાન્ય રીતે ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે સંક્રમિત વ્યક્તિ કે વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતો હોય છે તેમજ સંક્રમિત વ્યક્તિના થૂંકવાના કારણે આ રોગનો ફેલાવો થવાની શક્યતા રહેલી છે. જે ધ્યાને લઇ રાજયના આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૫ માર્ચના રોજ પરિપત્ર કરી જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જાહેર સ્થળોએ થૂંકનાર પાસેથી રૂ.૫૦૦ દંડ વસૂલ કરવાની સુચના પણ આપવામાં આવી છે. જે સંદર્ભે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાની સુચના પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ થૂંકનાર સામે કડક કાર્યવાહી કરી જાહેરમાં થૂંકનારા ૩૨ લોકો પાસેથી રૂ. ૧૬,૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ઝુંબેશ શરૂ કરી જાહેરમાં થૂંકનાર નાગરિકનો વિડીયો કે ફોટોગ્રાફ પાડી સ્થળ પર પંચાયત વિભાગના કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જાહેરમાં થૂંકનાર ૨ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૦૦૦, અમીરગઢમાં ૨ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૦૦૦, દાંતીવાડામાં ૧ વ્યક્તિ પાસેથી રૂ.૫૦૦, ડીસામાં ૧૦ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૦,૦૦૦, ધાનેરામાં ૩ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૫૦૦, ભાભરમાં ૧ પાસેથી રૂ.૫૦૦, લાખણીમાં ૧ પાસેથી રૂ.૫૦૦, થરાદમાં ૩ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૫૦૦, વાવમાં ૧ પાસેથી રૂ.૫૦૦, કાંકરેજમાં ૫ વ્યક્તિઓ પાસેથી રૂ. ૨૫૦૦ અને દિયોદર તાલુકામાં ૩ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૫૦૦ આમ બનાસકાંઠા જિલ્લામાં જાહેરમાં થૂંકનાર ૩૨ નાગરિકો પાસેથી કુલ રૂ. ૧૬,૦૦૦નો દંડ વસૂલાયો છે તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠાએ જણાવ્યું છે.