બનાસકાંઠામાં નાના મોટા ધાર્મિક મેળાવડા, ડાયરા ન યોજવા તંત્રની લોકોને અપીલ
કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી,
નાગરિકો ભીડવાળી જગ્યાએ જવાનું ટાળે
–કલેકટર સંદીપ સાગલે
પાલનપુર
નાના મોટા ધાર્મિક મેળાવડા ન યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે, નાગરિકોએ કોરોના વાયરસથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી પરંતું ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે તે જરૂરી છે. તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, પાલનપુર સીવીલ હોસ્પીટલ સહિત જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પુરતી સુવિધાઓ અને દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખી તાલીમબધ્ધ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખીએ. કલેકટરશ્રીએ સ્વચ્છતા પર ભાર મુકતા જણાવ્યું કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પુરતી સાફ-સફાઇ અને સ્વચ્છતા રાખવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો જિલ્લામાં અસરકારક અમલ થાય અને નાગરિકોને જાગૃત કરીએ. તેમણે કહ્યું કે, કોરોના વાઇરસનો ચેપ સામાન્ય રીતે ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે સંક્રમિત વ્યક્તિ કે વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતો હોય છે તેમજ સંક્રમિત વ્યક્તિના થૂંકવાના કારણે આ રોગનો ફેલાવો થવાની શક્યતા રહેલી છે. જે ધ્યાને જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જાહેર સ્થળોએ થૂંકનાર પાસેથી દંડ વસૂલ કરવા તેમણે જણાવ્યું હતું. કલેકટરએ કહ્યું કે, સારવાર આપનાર સ્ટાફ અને ર્ડાકટરોએ માસ્ક અને ચેપથી બચવાના તમામ સાધનોનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે. બધા લોકોએ માસ્ક પહેરવા જરૂરી નથી. પરંતું જે લોકો શંકાસ્પદ છે તેમના પરિવારજનોએ માસ્ક પહેરવા જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવાર માટે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પાલનપુર ખાતે સીવીલ હોસ્પીટલમાં ૨૬ બેડનો આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ૧૦ બેડનો ઓઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ડીસા અને થરાદ ખાતે પણ આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના લક્ષણવાળો કોઈ દર્દી જોવા મળે તો તેને પ્રાથમિક સારવાર આપી શકાય તેવી તમામ પ્રકારની વ્યવસ્થા આઈસોલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે. કોરાના વાયરસના દર્દીઓના સગાવ્હાલાને સારવાર આપવા ડીસા અને છાપી ખાતે ક્વારાઇટીંગ વોર્ડ બનાવાયા છે.