બનાસકાંઠામાં કોરોના વાઇરસને લઇ તંત્ર સજ્જ, જીલ્લાના ૧૯ વિદ્યાર્થીઓ આજે પરત ફરી શકે
રખેવાળ ન્યુઝ પાલનપુર : ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવતા ચીનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા છે. બનાસકાંઠાના ૧૯ વિદ્યાર્થી ૩૧ જાન્યુઆરીએ ચીનથી આવી રહ્યા છે. કોરોના વાઈરસને લઇ બનાસકાંઠાનું તંત્ર સજ્જ થયું છે. પાલનપુર સિવિલમાં ઇમર્જન્સી આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. આથી તમામ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.આરોગ્ય વિભાગ સહિત ડોકટરો ખડે પગે રહેશે. આ તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
ઉત્તર ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે ચીન ગયેલા હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જેમાં વિદ્યાર્થીઓ સહી સલામત પરત સ્વદેશ ફરે તે માટે સરકાર પાસે પરિવારજનો માગણી કરી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પણ વિદ્યાર્થીઓ ચાઈના હોવાથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પરિવારજનો દ્વારા સરકાર સમક્ષ મદદની માગ કરાઈ રહી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતી વિધાર્થીઓ સહિત નિકુંજ ચાઈનામાં ફસાતાં નિકુંજના પરિવારજનો નિકુંજની સતત ચિંતા કરી રહ્યા છે. આ સાથે સતત વીડિયો કોલ દ્વારા તેની સાથે વાત કરી રહ્યા છે. નિકુંજ ફરીથી ટિકિટ લઈને તેના મિત્રો સાથે ૩૧ તારીખના રોજ પરત ફરતો હોવાથી ચીન એરપોર્ટ ઉપર પરેશાન કરવામાં ના આવે તે માટે પરિવારજનોએ સરકાર પાસે મદદની અપીલ કરી છે