બનાસકાંઠાઃ કોન્સ્ટેબલે દારૂ તો પકડ્યો પણ બારોબાર તેનું વેંચાણ કરી દીધુ
ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરાવવાનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓનું છે. પરંતુ જો આ જ પોલીસકર્મી પોતાની ફરજ ચૂકે તો શું? અમીરગઢ પોલીસમથકના કોન્સ્ટેબલે દારૂની ગાડી તો ઝડપી પરંતુ આ દારૂ બારોબાર વેચી માર્યો હોવાનો જાણવા મળ્યું છે.બનાસકાંઠાના અમીરગઢની પોલીસ કોન્સ્ટેબલે દારૂની ગાડી ઝડપી હતી. ગાડીમાંથી પકડાયેલો દારૂ બારોબાર વેચી માર્યો. એવું જાણવા મળ્યું છે કે પીએસઆઈની ગેરહાજરીમાં દારૂની ખેપ કરી રહેલી કારને તેમણે ઝડપી હતી. ત્યારબાદ પકડાયેલા દારૂને બારોબાર સગેવગે કરી નાખ્યો હતો. ૧૫ દિવસની તપાસ બાદ પીએસઆઈએ કોન્સ્ટેબલ અને દારૂ ખરીદનારા બે વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.સુત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસ કોન્સ્ટેબલ એમના પીએસઆઇની ગેરહાજરીમાં દારૂની ગાડી પકડી તો હતી પરંતુ તેને વેચી મારતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ કોન્સ્ટેબલનું નામ નરસિંહ નાગજી છે તેમણે ૧૬ પેટી દારૂ બારોબાર વેચી માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હવે તો વાડ ચીભડા ગળે તેવી સ્થિતી જોવા મળે છે.