પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોની પસંદગી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની ૫૦ ટકાથી વધુ વસ્તી ધરાવતા વડગામ તાલુકાના બાદરપુરા, વાવ તાલુકાના જોરડીયાલી અને થરાદ તાલુકાના ચુડમેર ગામમાં વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આ ત્રણ ગામોમાં પીવાના પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક સુરક્ષા, ગ્રામીણ માર્ગો અને ગૃહ નિર્માણ, વીજળી અને સ્વચ્છ બળતણ, કૃષિ પધ્ધતિ વગેરે, નાણાંકીય બાબતો, ડીઝીટાઇઝેશન તથા રોજગાર અને કુશળતા વિકાસ પર કરવામાં આવનાર કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદ થયેલા ગામોમાં અનુસૂચિત જાતિનો વિસ્તાર માળખાકીય સુવિધાઓ અને વિકાસકામોથી વંચિત ન રહે તેની તકેદારી રાખી આ વિસ્તારના કામોને અગ્રીમતાના ધોરણે પુરા કરીએ. ગામના વિકાસ માટે ખુટતી કડીઓ પુરી કરવા તથા અનુસૂચિત જાતિના વિસ્તારમાં રહેતા  લોકોને યોજનાનો મહત્તમ લાભ મળે તેની કાળજી રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગ્રામ વિકાસ માટેનું આયોજન સંકલિત, વાસ્તવિક અને કાર્ય થઇ શકે તેવી બ્લૂ-પ્રીન્ટ બનાવી નિયત સમયગાળામાં કામ શરૂ કરી સમયમર્યાદામાં વિકાસ કામો પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. તેમણે ગામ લોકોની જરૂરીયાત જાણવા દરેક પરિવારનો વ્યક્તિગત સંપર્ક કરી સર્વે કરવા અધિકારીઓને જણાવ્યું હતું. 
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાના સભ્ય સચિવ અને અ. જા. કલ્યાણ ખાતાના નાયબ નિયામક એચ. આર. પરમારે યોજનાની માહિતી આપતાં જણાવ્યું કે, આ યોજના હેઠળ ગામના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરાયેલ ગામને ગામદીઠ રૂ. ૨૧ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. જેમાંથી રૂ. ૨૦ લાખ અધૂરા કામોના વિકાસ માટે અને રૂ. ૧ લાખની રકમ વહીવટી ખર્ચ માટે વાપરવામાં આવશે. તેમણે કહ્યું કે, જે ગામ દ્વારા સમયમર્યાદામાં કામ પુરૂ કરવામાં આવશે તેવા ગામોને બીજા તબક્કામાં રૂ. ૧૦ લાખ વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે. શ્રી પરમારે કહ્યું કે, આ યોજના હેઠળ ઉત્તમ કામગીરી કરનાર ગામોને રાજય અને રાષ્ટ્રી ય કક્ષાના એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ઉત્તમ કામગીરી કરનાર ત્રણ ગામોને દરેકને રૂ. ૫ લાખનું ઇનામ આપવામાં આવશે અને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામનાર ત્રણ ગામોને દરેકને રૂ. ૧૦ લાખનું ઇનામ એનાયત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ યોજનાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સંબંધિત ખાતાના ૧૭ જેટલાં અધિકારીઓ અને ગ્રામ્યકક્ષાએ સરપંચશ્રીના અધ્યસ્થાને ૯ જેટલાં કર્મચારીઓની સમિતિ બનાવવામાં આવી છે. જે આ કામગીરી કરી સમયાંતરે કામગીરીનો અહેવાલ સુપ્રત કરશે. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલ, પાણી પુરવઠાના અધિકારી પટેલ, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ, સરપંચઓ અને કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતાં.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.