પાલનપુર સિવિલ હોસ્પિટલના તાલીમ કેન્દ્રના મેડિકલ ઓફિસરના વિવાદિત વિડિયો વાયરલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ વહીવટ કથળ્યો હોવાની બુમરાણ મચી છે. ત્યારે સિવિલમાં કાર્યરત જિલ્લા તાલીમ કેન્દ્રમાં સિનિયર મેડીકલ ઓફિસર આરોગ્યલક્ષી તાલીમ આપવાના બદલે ર્નસિંગ સ્ટાફને ડાન્સની તાલીમ આપતા હોય તેમ ડાન્સ કરી રહ્યા હોવાના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. ર્નસિંગ સ્ટાફની તાલીમાર્થી છાત્રાઓ સાથેના અણછાજતા ફોટા અને વિડિઓ વાયરલ થતા યુવતીઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તંત્ર બાદ હવે આરોગ્ય વિભાગને પણ ટિકટોક અને સોશિયલ મીડિયાનો ચસ્કો લાગ્યો છે. જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના નેજા તળે ચાલતાં જિલ્લા તાલીમ કેન્દ્રના ડો. બિજોલ ભેદરૂ તેમની ફરજ દરમિયાન તાલીમ લઇ રહેલી ર્નસિંગ સ્ટાફને આરોગ્યલક્ષી તાલીમ આપવા ના બદલે તેમની સાથે ડાન્સ કરતા અને "મુન્ની બદનામ હુઈ", "સોનુ તને મારા પર ભરોસો નઈ કે" જેવા અણછાજતા ગીતો પર ઝુમતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તાલીમ કેન્દ્ર બહાર ર્નસિંગ સ્ટાફને લઈ જઇ તેઓની સાથે બાઇક ઉપર ફોટો પડાવતાં તેમજ છાત્રાને ગુલાબનું ફૂલ આપતા ફોટા પણ વાયરલ થયા છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર સ્થિત આ તાલીમ કેન્દ્ર છે કે પછી ડાન્સ કલબ ? તેવા અણીયાળા સવાલો ઉઠવાની સાથે તાલીમાર્થી બહેનોની સલામતી સામે પણ પ્રશ્નાર્થ ખડા થયા છે. ત્યારે બેટી બચાવો અને બેટી પઢાવોની સાથે સ્ત્રી શસક્તિકરણ ની ગુલબાંગો પોકારનાર રાજ્ય સરકાર અને મહિલા આયોગ તપાસ કરી તાલીમાર્થીઓની સુરક્ષાની જાત તપાસ કરે તેવી માંગ ઉઠી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સી તેમજ પાલનપુર સિવિલ હોસ્પિટલના સર્જન ડો. ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, ડો. બિજોલ ભેદરૂની નિમણૂંક ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમનો પગાર પણ ગાંધીનગરથી કરવામાં આવે છે. અમે તેમની સામે કોઇ કાર્યવાહી કરી શકતા નથી. આમ, જિલ્લા આરોગ્ય અને સિવિલ તંત્રએ પોતે કઈ કરી શકે નહીં તેમ કહી હાથ અધ્ધર કરી દેતા તાલીમાર્થી બહેનોની સલામતી ની જવાબદારી કોની તેને લઈને વાલીઓ પણ ચિંતાતુર બન્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.