પાલનપુર પાલિકાના રાજમાં ડોર ટુ ડોર કચરા કલેકશનમાં ૨.૪૦ કરોડનું કૌભાંડ આચરાયું હોવાની રાવ
રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના પ્રમુખ અને તત્કાલિન ચિફ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન તેમજ ઓપન સ્પોટો પરથી કચરો – ગંદકી નિકાલ કરવાની કામગીરીમાં રૂપિયા ૨,૪૦,૦૦,૦૦૦નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સંગીન આક્ષેપો ખુદ શાસક પક્ષના નગરસેવકે જ કરતા ખળભળાટ મચી ગયો છે.
ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં પ્રમુખ સામેનો અસંતોષ બહાર આવતા ૧૨ સભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. જે અસંતોષ હજી ઠર્યો નથી ત્યાં ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં પણ પ્રમુખ સામે ખુદ સત્તાપક્ષના નગરસેવકે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય અમૃતભાઇ ચુનીલાલ જોશીએ ગાંધીનગર મ્યુનિસિપાલીટી કમિશ્નરને કરેલી રજૂઆતમાં ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોક ઠાકોર અને તત્કાલિન ચિફ ઓફિસર પંકજ બારોટે તારીખ ૦૧-૦૧-૨૦૧૯ ૧-૧-૨૦૨૦ દરમિયાન દરબાર વેસ્ટ કોર્પોરેશનને ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન તેમજ ઓપન સ્પોટો ઉપરથી કચરો – ગંદકી નિકાલ કરવાની કામગીરી આપવામાં આવી હતી. જોકે, આ કામગીરી આજ કોન્ટ્રાકટરને મળે તે માટે ટેન્ડરમાં નોટિસમાં ખોટી અને જરૂરીયાત ન હોય તેવી ૬૫ શરતો રાખી તે શરતોનો ભંગ કરી રૂપિયા ૨,૪૦,૦૦,૦૦૦નું કૌભાંડ આચરવામાં આવ્યું છે.