પાલનપુર આરટીઓ કચેરી મૃતકને પણ જીવતો કરી દેતી હોવાની રાવ
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર આરટીઓ કચેરીમાં ચાલતી ગેરરીતિને ઉજાગર કરતો એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વાહન માલિક બે વર્ષ અગાઉ મૃત્યુ પામ્યો હોવા છતાં તેનું વાહન અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યુ હોવાની રાવ ઉઠી છે. ત્યારે આરટીઓ કચેરીમાં કેવી ધુપ્પલબાજી ચાલે છે તેનો પર્દાફાશ એક આરટીઆઇ હેઠળ થયો છે. પાલનપુરમાં રહેતા આરટીઆઇ એક્ટિવિસ્ટ બિપિન ગુપ્તાએ કરેલી આર.ટી.આઈ.માં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. બીપીનભાઈ ગુપ્તાએ વેચાણ થયેલ મોટર વાહન નંબર જીજે-૦૧-એચ. એલ.૮૧૩૭ ની માહિતી માંગી હતી. જેમાં વાહન વેચનાર વ્યક્તિ જગાણા ગામના લક્ષ્મણગર મોહનગર બે વર્ષ અગાઉ (૨૦૧૩) ગુજરી ગયેલ છે. આમ છતાં તે વ્યક્તિના ખોટા દસ્તાવેજી પુરાવા રજુ કરેલ છે. જેની ચકાસણી કર્યા વગર જ આરટીઓ કચેરી દ્વારા તે વાહન ૨૦૧૫માં ટ્રાન્સફર થયેલ છે. આ અંગે આરટીઆઈ દ્વારા માહિતી માંગતા આરટીઓ કચેરી અરજદારને ગોળ ગોળ ફેરવી રહી છે.આ પ્રકરણ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમક્ષ પહોંચ્યું છે. જેઓએ પણ માહિતી આપવાની સૂચના આપી હોવા છતાં આરટીઓ કચેરીએ મુખ્યમંત્રી અને રાજ્યપાલના આદેશની અવગણના કરી રહી હોવાનું અરજદારે જણાવ્યું હતું.